કોઈ પણ કાર્ય કરવા માટે સર્વપ્રથમ મનમાં ઈચ્છા પેદા થવી જરૂરી છે, ત્યારબાદ એ કાર્ય કરવા માટે જરૂરી જ્ઞાનની આવશ્યકતા પડે છે અને તત્પશ્ચાત્ એ કાર્યને પૂર્ણ કરવા માટે ક્રિયા કરવી પડે છે!

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે કે સૃષ્ટિના સર્જનકાળે જ્યારે બિગ-બેંગ થયો ત્યારે મહાઊર્જાના ફક્ત એક બિંદુમાંથી પ્રચંડ વિસ્ફોટ થયો અને બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. આધુનિક વિજ્ઞાન હજુ સુધી એ નથી જાણી શક્યું કે સૃષ્ટિના સર્જન માટે જવાબદાર મહાઊર્જા કયા દ્રવ્યની બનેલી છે! પરંતુ ભારતના સનાતન ધર્મ પાસે આનો ઉત્તર છે. ‘યોગતંત્ર’ જણાવે છે, “શિવ શબ્દમાં જે હ્રસ્વ છે, તે શક્તિ છે; જેના વગર શિવ પણ શવ અર્થાત્ શબ છે!”

બ્રહ્માંડમાં પ્રવર્તમાન આ અજ્ઞાત મહાશક્તિને તંત્રશાસ્ત્રના દ્રષ્ટિકોણથી સરળ રીતે વ્યાખ્યાયિત કરવી હોય તો એવું કહી શકાય કે, પદાર્થમાં હાજર સ્થુળઊર્જા (Static Energy) એ શિવ છે અને તેને વેગમાં લાવનાર ગતિઊર્જા (Kinetic Energy) વાસ્તવમાં મહાશક્તિ છે. જેવી રીતે કોઈ પદાર્થને ગતિમાન કરવા માટે બાહ્યબળ આપવું જરૂરી છે, એવી જ રીતે આ સૃષ્ટિને જન્મ આપવા માટે પણ મહાશક્તિ આવશ્યક છે. આ પ્રચંડ બ્રહ્માંડઊર્જાને હસ્તગત કરવાની ટેક્નોલૉજી છે, તંત્રસાધના! જે તાંત્રિકો, માંત્રિકો, અઘોરીઓ તેમજ અન્ય સાધકો દ્વારા કરવામાં આવે છે.

શ્રીલલિતાસહસ્રનામમાં આ બ્રહ્માંડઊર્જાને ‘ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ’ તરીકે સંબોધિત કરવામાં આવી છે. વિચાર કરી જુઓ. કોઈ પણ કાર્ય કરવા માટે સર્વપ્રથમ મનમાં ઈચ્છા પેદા થવી જરૂરી છે, ત્યારબાદ એ કાર્ય કરવા માટે જરૂરી જ્ઞાનની આવશ્યકતા પડે છે અને તત્પશ્ચાત્ એ કાર્યને પૂર્ણ કરવા માટે ક્રિયા કરવી પડે છે!

આ પ્રત્યેક ઉદાહરણો માનવજાતને જે મહત્વની બાબત સમજાવવાનું કામ કરે છે, એ છે: જીવનમાં પ્રકૃતિસ્વરૂપા અર્થાત્ સ્ત્રીશક્તિની આવશ્યકતા! બીજી બાજુ, તંત્રનો આધાર જ શક્તિપૂજા છે.

તંત્રોક્ત રાત્રિસૂક્તમ્ જણાવે છે,

कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा ।

त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रींस्त्वं बुद्धिर्बोधलक्षणा ॥

જેનો અર્થ છે, “હે દેવી, તું જ કાળરાત્રિ, મોહરાત્રિ, મહારાત્રિ અને દારુણરાત્રિ છો! તું જ ઈશ્વરી છો અને તું જ શ્રી (ઐશ્વર્યસ્વરૂપ બીજમંત્ર) તેમજ હ્રીં (માયાસ્વરૂપ બીજમંત્ર) છો! હે મહાશક્તિ, તું જ બોધસ્વરૂપા પણ છો.”

બોધ લેવા જેવી વાત એ છે કે તંત્રનું નામ સાંભળીને ભાગવાને બદલે એના ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન થવો જોઈએ. મનુષ્યને એ જ વસ્તુનો ડર લાગે છે, જે અજ્ઞાત છે! જ્યાં જ્ઞાનનો પ્રકાશ પથરાય, ત્યાંથી ભયરૂપી અંધકાર અવશ્ય દૂર થાય છે.

દાયકાઓ પહેલા રાજસ્થાનના જોધપુરમાં ડૉ. નારાયણદત્ત શ્રીમાળી (સ્વામી નિખિલેશ્વરાનંદ) નામના મહાજ્ઞાની ઉપાસક થઈ ગયા, જેમણે પ્રખર સાધના થકી ભારતની એવી તાંત્રિક વિદ્યાઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, જે લુપ્ત થવા આવી હતી. સમાજના ઉત્થાન માટે જરૂરી આ સિદ્ધિઓને એમણે મૃત્યુ પહેલા ભારતના જુદા જુદા સિદ્ધોને અર્પણ કરી હોવાની માન્યતા છે, જે સદ્ભાવના સાથે લોકકલ્યાણના કાર્યોમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે.

એવી જ રીતે, વર્તમાન સમયમાં શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક ઓમ સ્વામી વિશે એવું કહેવાય છે હિમાલયની કંદરાઓમાં જઈને કઠોર સાધના કર્યા બાદ એમની પાસે કેટલીક વિશેષ દૈવી શક્તિ છે, જેનો ઉપયોગ તેઓ લોકકલ્યાણ અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે કરી રહ્યા છે. તેઓ તાંત્રિક અને માંત્રિક બંને છે, આમ છતાં એમના સાંનિધ્યમાં ભયની નહીં પરંતુ વ્હાલ-હૂંફ-આસ્થાની અનુભૂતિ થાય છે.

કમનસીબી એ છે કે તંત્રવિજ્ઞાનનું નામ પડતાંની સાથે જ લોકોના માનસપટ પર દારૂ, માંસ અને સમાગમની છબી ઉપસી આવે છે. મોટાભાગના માણસોને એ નથી ખબર કે તંત્રના કુલ છ પ્રકાર છે: દક્ષિણાચાર તંત્ર, વામાચાર તંત્ર, કૌલાચાર તંત્ર, મિશ્રાચાર તંત્ર, સમ્યાચાર તંત્ર અને દિવ્યાચાર તંત્ર.

આમાંના દક્ષિણાચાર અને દિવ્યાચાર તંત્રમાં તો સંપૂર્ણપણે સાત્ત્વિક પદાર્થો અર્થાત્ ફળ, ફૂલ, કંકુ, ચોખા, હળદર, નારિયેળ વગેરેનો ઉપયોગ થાય છે. આ પ્રકારના તંત્રમાં દારૂ, માંસ કે તાંત્રિક સેક્સને કોઈ સ્થાન નથી.

આપણા સમાજમાં ધૈર્યા જેવી વ્હાલસોયી બાળકીઓની નિર્મમ હત્યાઓને રોકવી હશે તો અંધશ્રદ્ધાની સાંકળો તોડીને બંધનમુક્ત થવું પડશે. પરંપરાઓનું અનુસરણ થવું જ જોઈએ, પરંતુ તેની પાછળ છુપાયેલું વિજ્ઞાન સમજ્યા વગર નહીં! સનાતન ધર્મ અત્યંત તાર્કિક અને માર્મિક છે. તેના ઊંડાણમાં ઉતરવા માટે વિચારધારા અને દ્રષ્ટિકોણ બંનેની ક્ષિતિજનો વિસ્તાર થવો નિતાંત આવશ્યક છે.

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *