ભારતીય વેદ-પુરાણો કોઈ કપોળકલ્પિત વાર્તાના પુસ્તકો નથી! એમાં અપાયેલી કથાઓના મૂળિયાં હજારો-લાખો વર્ષ જૂની સનાતન સંસ્કૃતિમાં છુપાયેલાં છે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । થોડા અઠવાડિયા અગાઉ જ્યારે મત્સ્યપુરાણમાં આલેખિત વિધ્વંશ અને આજથી ૨૫ કરોડ વર્ષ પહેલાં ઘટિત પ્રલય વચ્ચેની વૈજ્ઞાનિક સામ્યતા દર્શાવતી શ્રેણીની શરૂઆત કરી, એ સમયે વાચકમિત્રોએ સમયના પૌરાણિક માપદંડને આધુનિક પરિપ્રેક્ષ્યથી સમજાવવાની માંગણી કરી હતી. ૧૭મી સદીમાં યુરોપિયન પ્રજાએ પુરાણોનો અભ્યાસ શરૂ કર્યો, ત્યારે આપણાં ધર્મગ્રંથોમાં વર્ણવવામાં આવેલાં અબજો વર્ષ જૂના સમયચક્રને સત્ય માનવાનો એમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો! પોતાની જાતને સર્વોચ્ચ ગણતી પ્રજાએ ભારતીય વેદ-પુરાણોને ‘માયથોલોજી’નું સ્વરૂપ આપી દીધું. ૧૯મી સદી સુધી આ ખેલ ચાલ્યો. અરે, સંસ્કૃત-વિશેષજ્ઞોએ પણ ઘણા વર્ષો સુધી પૌરાણિક સમય-માપદંડ અને આધુનિક સમય-માપદંડ વચ્ચે સામ્યતા શોધવાની કોશિશ નહોતી કરી!
૧૯મી સદીના મધ્યભાગ સુધીમાં ભારતીય ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થવા લાગ્યો, જેને લીધે પશ્ચિમી વૈજ્ઞાનિકો અને સંશોધકોનું ધ્યાન ફરી ભારત પર કેન્દ્રિત થયું. આપણા દેશના ભણેલાગણેલા અને વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતાં પ્રબુદ્ધ નાગરિકોએ પણ ખાસ્સો સમય આ ગ્રંથોના અધ્યયનમાં વિતાવ્યો અને પરિણામસ્વરૂપ સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પૂરવાર કરી શક્યા કે ભારતીય વેદ-પુરાણો કોઈ કપોળકલ્પિત વાર્તાના પુસ્તકો નથી! એમાં અપાયેલી કથાઓના મૂળિયાં હજારો-લાખો વર્ષ જૂની સનાતન સંસ્કૃતિમાં છુપાયેલાં છે.
આજથી શરૂ થવા જઈ રહેલી આ શ્રેણી થકી પુરાણોમાં આલેખાયેલો સમય કેટલો સચોટ અને તાર્કિક છે, એના પુરાવા આપવા જઈ રહ્યો છું; જેના માટે વાયુપુરાણનો સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચાર યુગ – સત્ય (કૃત), ત્રેતા, દ્વાપર અને કળિ – ના એક સંપૂર્ણ ચક્રને ચતુર્યુગ/મહાયુગ તરીકે ઓળખવામાં આવે છે.
कृते वै प्रक्रियापादश्चतुःसहस्र उच्यते ।
तस्माच्चतुःशतं संध्या संध्यांशश्चतथाविधः ॥
(વાયુપુરાણ ૩૨.૫૬)
ભાવાર્થ: સત્ય (કૃત) યુગમાં ૪ હજાર વર્ષોનો સમયગાળો હોય છે, જેને પ્રક્રિયાપાદ પણ કહે છે. તેના સંધ્યા અને સંધ્યાંશ (અર્થાત્ આરંભ અને અંત)નો સમય અનુક્રમે ૪૦૦-૪૦૦ વર્ષ જેટલો હોય છે.
શ્લોક મુજબ, સતયુગનો સમયગાળો ૪૮૦૦ વર્ષોનો જણાય છે. આ આંકડો વાંચીને મોટાભાગના લોકો ભૂલ ખાઈ જાય છે, કારણ કે પ્રત્યેક પૌરાણિક કથાઓમાં સતયુગ લાખો વર્ષો સુધી ચાલતો હોવાની વાત સામે આવી છે; પરંતુ અહીં જે સમયગાળો દર્શાવાયો છે, એ માનવવર્ષો એટલે કે પૃથ્વી પર ચાલી રહેલાં સમયની વાત નથી. બ્રહ્મલોક અને ધરતી વચ્ચે આલેખાતાં સમય વચ્ચે ૩૬૦ વર્ષોનો તફાવત જોવા મળે છે, જેનો અર્થ એમ થયો કે દેવોનું એક વર્ષ બરાબર ૩૬૦ માનવવર્ષ! આ સમજૂતી પણ વાયુપુરાણના ૫૭મા અધ્યાયમાં આપવામાં આવી છે:
त्रीणि वर्षशतान्येव षष्टिवर्षाणि यानि च ।
दिव्यः संवत्सरो ह्येष मानुषेण प्रकीर्तितः ॥
(વાયુપુરાણ ૫૭.૧૬)
ભાવાર્થ: દેવોનું એક વર્ષ (ભૂમંડળ પર) મનુષ્યોના ૩૬૦ વર્ષ બરાબર હોય છે.
આ હિસાબે, ૪૮૦૦ વર્ષનો સતયુગ પૃથ્વી પર (૪૮૦૦ x ૩૬૦) ૧૭,૨૮,૦૦૦ વર્ષોનો થયો ગણાય. આવી જ રીતે, વાયુપુરાણના ૩૨મા અધ્યાયના ૫૭, ૫૮, ૫૯, ૬૪ અને ૬૫મા શ્લોકમાં અપાયેલાં વર્ણન મુજબ ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનો સમયગાળો અનુક્રમે ૩૬૦૦, ૨૪૦૦ અને ૧૨૦૦ દેવ-વર્ષોનો છે. જેને માનવવર્ષોમાં પરિવર્તિત કરીએ તો, સંખ્યા મળે છે: ૧૨,૯૬,૦૦૦ (ત્રેતાયુગ), ૮,૬૪,૦૦૦ (દ્વાપરયુગ) અને ૪,૩૨,૦૦૦ (કળિયુગ).
દેવોનો એક ચતુર્યુગ/મહાયુગ એટલે ૧૨,૦૦૦ વર્ષ! એ જ રીતે માનવોનો એક મહાયુગ એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષ!
આવા ૭૧ મહાયુગના સમૂહને કહેવાય છે, એક મનવંતર! જેના વિશે વાયુપુરાણ જણાવે છે:
एवं कृतयुगाख्या तु साधिका ह्येकसप्ततिः ।
कृतत्रेतादियुक्ता सा मन्वन्तरमुच्यते ॥
(વાયુપુરાણ ૫૭.૩૩)
ભાવાર્થ: ૭૧ ચતુર્યુગ સાથેનો સમય કે જેમાં કૃત, ત્રેતા આદિ યુગોનો સરવાળો થયેલો છે; તે એક મનવંતર તરીકે ઓળખાય છે.
આમ, દેવોના ૧૨૦૦૦ વર્ષોનો ગુણાકાર ૭૧ મહાયુગ સાથે કરીએ તો કુલ સંખ્યા મળે છે: ૮,૫૨,૦૦૦ વર્ષ. આ તો થયું દેવોનું એક મનવંતર! જો ૮,૫૨,૦૦૦ને ૩૬૦ વડે ગુણીએ તો ૩૦ કરોડ ૬૭ લાખ ૨૦ હજાર (૩૦૬.૭૨ મિલિયન) માનવવર્ષો થાય!
હવે ફરી પાછા મત્સ્યપુરાણ-શ્રેણી તરફ એક નજર કરીએ, જેમાં મેં આ જ રીતે સંસ્કૃત શ્લોક અને તેના ભાવાર્થને પુરાવા તરીકે પ્રસ્તુત કર્યા બાદ જણાવ્યું હતું કે આજથી હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીવિષ્ણુના મત્સ્યાવતાર દ્વારા ૨૫ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીએ જોયેલાં પ્રલયની સચોટ માહિતી પીરસવામાં આવી છે!
જે હકીકતને આધુનિક વિજ્ઞાન એક સદી પહેલાં જાણી શક્યું, એને આપણાં ઋષિ-મુનિઓ હજારો વર્ષ પહેલાંના તામ્રપત્રોમાં લખી ચૂક્યા છે એ વાત ગૌરવપૂર્ણ છે. શ્રીવિદ્યાના ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશનના ફાઉન્ડર ઓમ સ્વામી ઘણી વખત પોતાના પ્રવચનમાં કહે છે કે રામ, કૃષ્ણ, વશિષ્ઠ, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, વિશ્વામિત્ર સહિત સપ્તર્ષિઓ તેમજ અન્ય દેવી-દેવતાઓ એક સમયે વાસ્તવમાં આ પૃથ્વી પર ભ્રમણ કરતાં હતાં એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઓમ સ્વામીથી પરીચિત લોકોને બરાબર ખ્યાલ છે કે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા છે, દુર્લભ સિદ્ધિઓ એમને હસ્તગત છે, માતા રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરી એમના બદ્રિકા આશ્રમના ગર્ભગૃહમાં સાક્ષાત બિરાજે છે. જો એમના જેવા તપસ્વી વ્યક્તિ આટલું ખાતરીપૂર્વક કોઈ વિધાન ઉચ્ચારતાં હોય તો પછી શંકાને કોઈ સ્થાન રહેતું નથી.
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.