જ્યારે ગાંધીને ગોળી મારવામાં આવી, ત્યારે એમણે એવું ન કહ્યું કે “અરે, આ શું? મને ગોળી મારવામાં આવી! આ દુષ્કૃત્ય કોણે કર્યુ?” એમણે તો ફક્ત એટલું જ કહ્યું, “હે રામ!” એમણે પોતાના ઈશ્વરનું સ્મરણ કર્યુ.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ (ભાગ-6) જગતજનનીનો આત્માસાક્ષાત્કાર થયા પશ્ચાત્ પોતાની મનોસ્થિતિ વર્ણવતા ઓમ સ્વામી એમના અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટોલ્ડ’માં બ્રહ્માંડના મૂળ સ્વભાવ અને ઈશ્વરત્વનું વિસ્તૃત વર્ણન કરે છે.

ઑવર ટુ ઓમ સ્વામી:

“આંતરિક મૌનને વ્યાખ્યાયિત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નહોતાં. જેવી રીતે આપ દૂધમાંથી માખણ બનાવો અને ત્યારપછી એ માખણ ફરી પાછું દૂધમાં ક્યારેય પરિવર્તિત ન થઈ શકે, એવી જ રીતે મારું મન શાંતિ તથા આનંદની એક એવી અવસ્થામાં પહોંચી ચૂક્યું હતું જ્યાંથી પરત ફરવું સંભવ નહોતું. મને લાગ્યું કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય – કોઈકનો જન્મ, મૃત્યુ, સ્વીકાર, અસ્વીકાર, પ્રશંસા કે ટીકા – તેનાથી અપ્રભાવિત રહેવા જેટલો વૈરાગ્ય તથા વિરક્તિભાવ મારા અંતરમાં અનાયાસે જ પ્રગટી રહ્યો હતો.

મેં મારી નોટબૂક ઊઘાડીને એમાં લખ્યું: ‘આત્મ-સાક્ષાત્કાર એ ક્ષણવારમાં બનતી ઘટના નથી. બેશક, આપણા જીવનમાં એક ક્ષણ એવી આવી શકે જ્યારે કંઈક અદ્ભુત બન્યાની અનુભૂતિ થાય, પરંતુ આત્મ-સાક્ષાત્કાર એ વાસ્તવમાં વીતી રહેલી પ્રત્યેક પળ પ્રત્યેની આપણી જાગૃકતાનું પરિણામ છે, જે માણસને તેની શાબ્દિક, માનસિક અને શારીરિક ક્રિયાઓ પ્રત્યે સભાન રહીને સંસારરૂપી સાગરની યાત્રા ખેડવાની યોગ્યતા પ્રદાન કરે છે. આપણું અસ્તિત્વ માત્ર આ શરીર પૂરતું સીમિત નથી, એટલી સમજ કેળવવી એ એક બાબત છે… પરંતુ અન્યો દ્વારા આહત થવા છતાં કોઈ પ્રતિક્રિયા ન આપવી એ તદ્દન ભિન્ન બાબત છે. આપણે એ તો સમજી શકીએ કે ક્રોધ મનની શાંતિને છિન્નભિન્ન કરી નાંખે છે, પરંતુ ઉશ્કેરણીજનક સ્થિતિમાં પણ શાંત રહી શકવાની ક્ષમતા કેળવવી એ વાસ્તવિક આત્મ-સાક્ષાત્કાર છે.

બુદ્ધને નિર્વાણ પ્રાપ્ત કરવા માટે છ વર્ષનો સમય શા માટે લાગ્યો? જો આત્મ-સાક્ષાત્કાર એ તત્ક્ષણ પ્રાપ્ત થનારી ઘટના હોય, તો પછી તેઓ પહેલા મહિનામાં જ એ મેળવી શકે એમ હતાં. આ માટે મહાવીરને દસ વર્ષ અને રામકૃષ્ણ પરમહંસને બાર વર્ષનો સમય લાગ્યો. અનુભવ, પાઠ-શિક્ષા, સૂઝમાં વધારો થતો જાય, એમ એમ વ્યક્તિ આત્મ-સાક્ષાત્કારની વધુ સમીપ આવતો જાય છે. ૧૦૦ ડિગ્રી સેલ્શિયલ તાપમાન પર પાણીમાંથી બાષ્પ બનવાની ક્રિયા શરૂ થાય છે, પરંતુ એ તાપમાન સુધી પહોંચવામાં પાણીને થોડો સમય લાગે છે. જે અગ્નિની જ્યોત પાણીને ગરમ કરે છે, તેનામાં તો સૂર્ય સમાન પ્રજ્વલિત થવાની ક્ષમતા છે… પરંતુ સત્ય એ છે કે બાષ્પીભવનની પ્રક્રિયાનો આરંભ થાય, એ માટે પાણીએ પહેલાં આવશ્યક ઉકળાટનો સામનો કરવો પડે છે. આત્મા અથવા ચેતના તો હંમેશા પવિત્ર જ હોય છે, પરંતુ ચેતનવંત મન વાસ્તવમાં બાષ્પીભવનના બિંદુ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે. સામે પક્ષે, અવચેતન અર્થાત્ અર્ધજાગૃત-અંતઃકરણ અવિરતપણે સૂઝ અને શિક્ષા પ્રાપ્ત કરતું રહે એ જરૂરી છે.

જ્યારે ઈસુ ખ્રિસ્તને શૂળી પર ચડાવી દેવામાં આવ્યા, ત્યારે એમણે કોઈ પ્રતિક્રિયા ન આપી. એમણે તો બસ સૌને ક્ષમા આપી દીધી. જ્યારે ગાંધીને ગોળી મારવામાં આવી, ત્યારે એમણે એવું ન કહ્યું કે “અરે, આ શું? મને ગોળી મારવામાં આવી! આ દુષ્કૃત્ય કોણે કર્યુ?” એમણે તો ફક્ત એટલું જ કહ્યું, “હે રામ!” એમણે પોતાના ઈશ્વરનું સ્મરણ કર્યુ. જાગૃત મન સાક્ષાત્કારની કોઈ ઓચિંતી ઘટનાને પચાવીને આત્મસાત કરે છે, પરંતુ વાસ્તવિક મુક્તિનું પ્રાગટ્ય તો અર્ધજાગૃત મનનાં ઊંડાણમાં થતું હોય છે. અસ્તિત્વનો આ એક એવો હિસ્સો છે, જેને સાક્ષાત્કાર સુધી પહોંચાડવા માટે તાલીમ આપવાની જરૂરિયાત રહે છે. આત્મ-સાક્ષાત્કાર ખરેખર તો જગતમાં ગરિમા, સ્વતંત્રતા અને આનંદ સાથે કેવી રીતે જીવી શકાય એ શીખવે છે.’

હું હજુ વધારે લખવા ઈચ્છતો હતો, પરંતુ મને તમ્મર ચડી રહ્યાનો અનુભવ થયો. શબ્દો જાણે મારી નજર સમક્ષ હવામાં તરી રહ્યા હોય એવું લાગ્યું. સ્થુળ શરીરનો ત્યાગ કરીને પરમ ચેતનામાં લીન થઈ જવાનો વિચાર પણ મારા મનમાં ઝળક્યો, કેમ કે સંસાર પાસેથી પ્રાપ્ત કરવાલાયક હવે કશું બચ્યું નહોતું. જીવતરે મારી પ્રત્યેક ઈચ્છાઓ પૂરી કરી હતી… કદાચ ધાર્યા કરતા વધારે! મારે જે બનવું હતું, એ હું બની ચૂક્યો હતો. મારા વ્યક્તિગત અસ્તિત્વનું બીજ સાક્ષાત્કારની નરમ ભૂમિમાં નષ્ટ થઈ ચૂક્યું હતું.”

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *