ક્યારેક ક્યારેક એવું લાગતું જાણે મારા મસ્તિષ્કના એક ચોક્કસ બિંદુ પર કશુંક ખેંચાઈ રહ્યું છે! તો કેટલીક વાર એવું લાગતું જાણે કોઈ મારા લલાટ ઉપર માલિશ કરી રહ્યું છે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । (ભાગ-4) સમજવા જેવી વાત એ છે કે જીમમાં જઈને દોઢસો કિલોનું વજન ઊંચકવાની ક્ષમતા રાતોરાત ન કેળવી શકાય; એના માટે બે-ત્રણ વર્ષો સુધી લાગલગાટ શરીરને ખૂબ તાલીમ આપવી પડે. એવી જ રીતે, જગતજનની ભગવતીના સાક્ષાત્કારને આત્મસાત કરવા માટે ઓમ સ્વામીએ પણ ઘણી જહેમત ઉઠાવવી પડી. આ અંગે એમના અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’નો તૃતીય અંશ પ્રસ્તુત છે.
ઓવર ટુ ઓમ સ્વામી:
“હું જેમની શોધમાં આવ્યો હતો, એમનો સાક્ષાત્કાર મને થઈ ચૂક્યો હતો; આમ છતાં, હું હજુ અહીંથી વિદાય લેવા નહોતો માંગતો. મારા દ્વારા કરવામાં આવી રહેલી તાંત્રિક સાધના દરમિયાન મા બિંદુવાસિનીના પવિત્ર મંત્ર અને તથા એમની અન્ય દિવ્ય શક્તિઓ – નિત્યાઓ અને યોગિનીઓ – ના આદર હેતુ એક નિશ્ચિત કાળ માટે ત્યાં રહેવાના વચનની પૂર્તિ થવી આવશ્યક હતી.
મહત્ત્વપૂર્ણ હતું કે મારે એ પરમાનંદ સાથે જીવતાં શીખવાનું હતું, જે મને પ્રાપ્ત થયો હતો અથવા મેં મારી ભીત્તર ખોળ્યો હતો. હું પ્રાણીમાત્રના કલ્યાણ હેતુ પ્રાર્થના અને સિદ્ધપરંપરા પરત્વે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માંગતો હતો, જેનો એક ભાગ હું સ્વયં હતો.
હવે હું અસાધારણ આનંદની અનુભૂતિ કરવા માંડ્યો હતો… સદૈવ! પરંતુ સાથોસાથ હંમેશા થોડી અસંતુલિતતા પણ રહ્યા કરતી. ક્યારેક ક્યારેક એવું લાગતું જાણે મારા મસ્તિષ્કના એક ચોક્કસ બિંદુ પર કશુંક ખેંચાઈ રહ્યું છે! તો કેટલીક વાર એવું લાગતું જાણે કોઈ મારા લલાટ ઉપર માલિશ કરી રહ્યું છે. ચાલવું, ભોજન ગ્રહણ કરવું, પ્રદીપ સાથે રોજબરોજ વાર્તાલાપ કરવો અને એમની વાતો સાંભળવી એ મારા માટે મુશ્કેલ બની ચૂકી હતી. મારામાંથી પ્રવાહીની માફક વહી રહેલી શક્તિશાળી ઊર્જાઓને કઈ રીતે આત્મસાત કરવી, એ મારે શીખવાનું બાકી હતું. આથી, સો દિવસો માટે પૂર્ણ એકાંતમાં જવાનો મેં નિર્ણય લીધો. જગદંબાના દર્શનને આત્મસાત કરવા માટે આ પગલું નિતાંત આવશ્યક હતું.
મેં પ્રદીપને મારા આ આયોજન અંગે જાણ કરી અને એમની ચોકસાઈપૂર્ણ વ્યવસ્થાઓને કારણે જ આ સંભવ બની શક્યું. નિત્યક્રમમાં મેં ફેરફાર કર્યો અને સાંજે સાત વાગ્યાથી શરૂ કરીને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ધ્યાનમગ્ન રહેવા લાગ્યો. મહિનામાં એક કે બે વખત જો ગામવાસીઓ ચારો લેવા માટે આવે, તો પ્રદીપ એમને એકદમ ચૂપ રહેવા માટેનું સૂચન કરતા. તેઓ એક ચોક્કસ અંતર રાખીને પસાર થતાં અને શાંતિ પણ જાળવતાં! આ સમયગાળા દરમિયાન ન તો હું કોઈને મળ્યો કે ન તો મેં કોઈને જોયા. પ્રદીપ સવારે એક વાગ્યે ઊઠી જતાં, પોતાની નિત્યપૂજા પૂર્ણ કરતાં અને સવારે ચાર વાગ્યાનો સમય થાય એ પહેલાં મારું ભોજન તૈયાર કરી આપતાં. મારી ઝૂંપડી નજીકના એક નાનકડા મંદિર પાસે તેઓ આવતાં, ઘંટડી વગાડતાં અને મંદિરની પાછળ છુપાઈ જતાં; જેથી અમે બંને એકમેકને જોઈ ન શકીએ.
ત્યારપછી બહાર નીકળીને હું એમની ઝૂંપડી તરફ જઈને ત્યાં ભોજન ગ્રહણ કરતો, જે માટે મને અંદાજે એક કલાક જેટલો સમય લાગતો; કારણ કે આહાર લેવાની ક્રિયા મારા માટે કોઈ સાધનાથી કમ નહોતી. જેમણે ખેતરમાં અન્ન ઉગાડ્યું એ ખેડૂતો પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે અને જેમણે મારા માટે સ્નેહપૂર્વક ભોજન તૈયાર કર્યુ એવા પ્રદીપ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો આ એક અવસર રહેતો. ખોરાકના પાચન માટે જવાબદાર જઠરાગ્નિને વૈશ્વાનર તરીકે ઓળખવામાં આવે છે. પવિત્ર યજ્ઞમાં જે પ્રકારે આહુતિ આપવામાં આવે, એવી જ રીતે હું મારા પ્રત્યેક કોળિયાં જઠરાગ્નિને સમર્પિત કરતો… આજે પણ હું એ જ ભાવ સાથે ભોજન કરું છું.
જ્યારે હું એ ઝૂંપડીમાં હોઉં, ત્યારે પ્રદીપ મૌન રહીને મારી પ્રતિક્ષા કરતા અથવા તો મારી કુટિરમાં પાણીની ડોલ ભરી આપતા. પાછલી રાતે જો વાવાઝોડાંને કારણે મારી કુટિરની તાડપત્રી અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય, તો તેઓ એને બરાબર ગોઠવી આપવાનું કામ પણ કરતા. જો મારે એમને કશુંક કહેવું હોય, તો એમની કુટિરમાં એક ચિઠ્ઠી મૂકી રાખીને હું ફરી મારી કુટિરમાં ચાલ્યો આવતો.”
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.