નાની ઉંમરથી મંત્રસાધના અને ધ્યાનયોગમાં પ્રવૃત્ત થઈ ચૂકેલાં અમિત શર્મા આખી-આખી રાત ઈશ્વરના ધ્યાનમાં બેઠા રહે ને સવાર પડે એટલે શાળાએ જવા રવાના થાય.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ વર્ષ 2023 શરૂ થઈ ચૂક્યું છે. કૉવિડકાળના દુઃસ્વપ્નો અને આઘાતમાંથી ધીરે ધીરે સૌ કોઈ બહાર આવવા માંડ્યા છે. એવામાં હવે આપણા સમાજને આવશ્યકતા છે, અંતરાત્મામાં બિરાજમાન ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની! શાસ્ત્રો કહે છે કે, માનવ ઉપર ત્રાટકતી આપત્તિઓ અથવા દુઃખોને જો કષ્ટમાં પરિવર્તિત ન થવા દેવા હોય, તો ભક્તિનો આશરો લેવો જોઈએ.

સંન્યાસધર્મનો ખરો હેતુ તો ત્યારે સાર્થક થાય, જ્યારે સાધક પાસે ત્યાગ કરવાલાયક ઘણું બધું હોય! આ કથનને જેમણે સત્ય પૂરવાર કર્યુ, એ વ્યક્તિનું નામ છે: ઓમ સ્વામી. ઑસ્ટ્રેલિયાથી શરૂ કરીને જુદા જુદા ઘણા દેશોમાં જેમનો કરોડોનો વ્યાપાર પથરાયેલો હતો, એવા બિઝનેસમેન અમિત શર્મા (ઓમ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ)એ સઘળું ત્યાગીને હિમાલયના જંગલોમાં આકરું તપ કર્યુ અને ત્યારે એમની સમક્ષ સદેહે પ્રગટ થયા, સ્વયં બ્રહ્માંડ-અધિષ્ઠાત્રી રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરી!

દોમદોમ સાહ્યબી અને ચિક્કાર પૈસો હોવા છતાં સઘળું ત્યાગીને ઈશ્વરભક્તિમાં લીન થઈ જનારા લોકો આજના સમયમાં કેટલા હશે? સેવન-સ્ટાર લક્ઝરી લાઈફસ્ટાઈલ, જાતમહેનતે ઊભી કરેલી કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ, કરોડો-અબજોની સ્થાવર-જંગમ મિલ્કત અને આરામદાયક જીવનશૈલીનો મોહ ત્યાગીને સંસાર છોડી જનારા સાધુઓ હવે આંગળીને વેઢે ગણાય એટલા રહ્યા છે. અહીંયા એવા સાધુ-સંતોની વાત નથી થઈ રહી, જે સંન્યાસી બન્યા પછી પણ લક્ઝુરિયસ જીવન જીવતાં હોય! અહીંયા વાત થઈ રહી છે, અમિત શર્મા નામના 30 વર્ષના યુવકની જેણે ઑસ્ટ્રેલિયામાં લોહી-પરસેવો પાડીને ઊભી કરેલી પોતાની કંપની અને ઘરબારનો ત્યાગ કરી સંન્યાસદીક્ષા લીધી.

પંજાબના પટિયાલા ખાતે 30 નવેમ્બર 1979ના રોજ એમનો જન્મ! એમનો જન્મ થયો એ પહેલાં જ એમના માતાને ત્યાં એક સાધુએ આવીને ભવિષ્યવાણી કરી હતી કે એમના પરિવારમાં એક મહાન આત્માનો જન્મ થવા જઈ રહ્યો છે. અમિત શર્મા એમનું નામ! સાત વર્ષની ઉંમરે દેવાધિદેવ મહાદેવ એમને સ્વપ્નમાં આવ્યા અને ત્યારથી શરૂ થઈ એમની મંત્રસાધના!

11 વર્ષની કાચી વયે તો તેઓ જ્યોતિષશાસ્ત્રમાં પારંગત થઈ ચૂક્યા હતાં. તેમના ઘરની બહાર લોકોની કતાર લાગવા માંડી હતી. અને જ્યોતિષકથન એટલે કપોળકલ્પિત વાત નહીં, પરંતુ પૂર્ણતઃ વૈજ્ઞાનિક અને ગાણિતીક દ્રષ્ટિકોણ સાથે તેઓ લોકોનું ભવિષ્ય ભાખી આપતાં. 11 વર્ષનો એ કિશોર જ્યારે કોઈનું ભવિષ્ય ભાખતો ત્યારે એ સત્ય ઠર્યા વગર ન રહે! ઘર-પરિવારના સભ્યો તો એમને પહેલેથી જ ‘પંડિતજી’ તરીકે સંબોધન કરે!

15 વર્ષની ઉંમરે અમિત શર્મા સ્ટોક-એક્સચેન્જમાં મહારથ હાંસિલ કરી ચૂક્યા હતાં. શેરબજારમાંથી તેઓ આટલી નાની વયે લખલૂંટ પૈસા કમાતાં હતાં. એમની આસપાસના દરેક વ્યક્તિને દ્રઢપણે લાગતું હતું કે અમિત શર્મા પાસે કોઈ વિશિષ્ટ સિદ્ધિઓ છે!

નાની ઉંમરથી મંત્રસાધના અને ધ્યાનયોગમાં પ્રવૃત્ત થઈ ચૂકેલાં અમિત શર્મા આખી-આખી રાત ઈશ્વરના ધ્યાનમાં બેઠા રહે ને સવાર પડે એટલે શાળાએ જવા રવાના થાય. 16 વર્ષની ઉંમરે તેઓ ઑસ્ટ્રેલિયા ગયા. અતિસામાન્ય પરિવારના ફરજંદ હોવાને નાતે એમની પાસે કોઈ મૂડી કે સંપર્કો નહોતાં. જાતમહેનત અને આકરા સંઘર્ષ બાદ એમણે 20 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી દીધી હતી. અને ત્યારે જ એમણે નિર્ણય લઈ લીધો હતો કે આગામી 10 વર્ષ એટલે કે તેઓ જ્યારે ત્રીસ વર્ષના થાય ત્યારે સંસારનો ત્યાગ કરી દેશે!

ઈશ્વર માટેનું એમનું ખેંચાણ એટલું બધું વધારે કે ભલભલા વ્યસ્ત સમયપત્રકમાંથી પણ મંત્રસાધના માટે સમય કાઢી લે! કંપનીના ચેરપર્સન તરીકે એમણે વર્ષ 2010 સુધી કાર્ય કર્યુ અને પછી સંકલ્પ મુજબ એમણે 30મા વર્ષે સંસાર ત્યાગી દીધો અને વારાણસી આવી ગયા. શ્રીવિદ્યા ઉપાસક નાગાબાબા એમના પરમગુરુ બન્યા, જેમણે અમિત શર્માને નામ આપ્યું, સર્વાનંદબાબા!

નાગાબાબા પાસેથી શ્રીવિદ્યાની દીક્ષા પ્રાપ્ત કર્યા પછી તેઓ હિમાલયની કંદરાઓમાં ધ્યાન કરવા આવી ગયા અને ત્યાં એમને દોઢ વર્ષની આકરી તપસ્યા પશ્ચાત્ દર્શન થયા, રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરી દેવીના!

ઓમ સ્વામીના સંસ્મરણો જેમાં આલેખાયેલાં છે, એવા અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’નો એક નાનકડો અંશ આપ સૌ ગુજરાતી વાચકો માટે હું આવતાં અઠવાડિયે પ્રસ્તુત કરીશ.

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *