પરમ દૈવીય રહસ્યની પરાકાષ્ઠા તો ત્યારે આવી, જ્યારે એમનો હુંકાર સમગ્ર મંદિરની દીવાલની આરપાર થઈને આસપાસના પહાડોમાં પડઘાવા માંડ્યો. એવું લાગતું જાણે મહાકાળી પોતાના રૌદ્ર ભાવમાં પ્રગટ થઈને સમય અને મૃત્યુચક્રના અધિષ્ઠાતા દેવ – મહાકાળ – ને પધારવા માટે આહ્વાન આપી રહ્યા છે!

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ (ભાગ-8) વર્ષો પહેલાં હૉલિવૂડે સનાતન સંસ્કૃતિની વિચારધારાને કેન્દ્રમાં રાખીને ‘મેટ્રિક્સ’ ફિલ્મ બનાવી હતી. સમગ્ર બ્રહ્માંડ એક કમ્પ્યુટર-સ્ટિમ્યુલેશન હોય અને આંગળીને વેઢે ગણાય એટલા લોકો આ સ્ટિમ્યુલેશનમાંથી જાગી જઈને અન્યોને જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોય, એ થીમલાઈન ઉપર બનેલી ફિલ્મનું મધ્યબિંદુ ‘માયા’ કહી શકાય. અલબત્ત, હૉલિવૂડે ‘અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય’ને એ ફિલ્મમાં પાર્શ્વસંગીત તરીકે સ્થાન આપ્યું હતું. આદિકાળથી ભારતવર્ષમાં જે મહાન સિદ્ધાત્માઓ થઈ ગયા, એમને માયાના બંધનોમાંથી હંમેશા માટે મુક્ત થઈને ઈશ્વર સાથે એકાકાર થઈ જવાનું જ યોગ્ય લાગ્યું.

ઓમ સ્વામીએ પણ એ જ પ્રયત્ન કર્યો. જગતજનની આદિ પરાશક્તિ બાદ ચક્રધારી મહાવિષ્ણુનો સાક્ષાત્કાર થયો, એ પછી એમણે પોતાનો દેહ ત્યાગી દેવા માટે શિવારાધ્યા પરામ્બિકાની સંમતિ માંગી… પરંતુ ભુવનેશ્વરીને એ મંજૂર નહોતું. માતાએ એમને કયા મહાન કાર્ય માટે આ ધરતી ઉપર રોકાઈ જવાનો આદેશ આપ્યો, એ વાત આજ સુધી ઓમ સ્વામીએ સંસારથી ગુપ્ત રાખી છે! આ પ્રશ્નનો ઉત્તર કદાચ કાળની ગર્તામાં જ છુપાયેલો છે.

હિમાલયમાંથી પરત ફર્યા પછી ચંડીગઢથી સાડા ચાર કલાકના અંતરે આવેલાં સોલાન ખાતેના શલામુ ગામના ગગનચુંબી દુર્ગમ પહાડો વચ્ચે ‘શ્રી બદ્રિકા આશ્રમ’ની સ્થાપના કરી, પરંતુ વર્ષ 2014 સુધી ત્યાં ભગવાનના દિવ્ય-વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા નહોતી થઈ.

એ દિવસ હતો, 4 એપ્રિલ 2014… જ્યારે 850 કિલોગ્રામના સંપૂર્ણ શ્યામવર્ણી ભગવાન શ્રીહરિની પ્રાણ-પ્રતિષ્ઠા મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવી. પરમેશ્વરના બંને સ્વરૂપો – પ્રકૃતિ અને પુરુષ – ના સમન્વય સાથે નિર્માણ પામેલી આ પ્રતિમાના અડધા અંગમાં મહાવિષ્ણુ અને અડધા અંગમાં લલિતા મહાત્રિપુરસુંદરીને સ્થાપિત કરવામાં આવ્યા છે.

મૂર્તિનું નિર્માણ કઈ રીતે થયું, તે કઈ રીતે આટલા દુર્ગમ પહાડો વચ્ચેથી પસાર થઈને બદ્રિકા આશ્રમ સુધી પહોંચી, પ્રતિમાના આગમન સમયે ત્રિપુરારિ શ્રીનાથજીએ કેવી કેવી લીલાઓ કરી એની વળી અલગ જ કથા છે, પરંતુ એના વિશે ફરી ક્યારેક વાત કરીશું.

4 એપ્રિલના રોજ ત્યાં ઉપસ્થિત શ્રીહરિના ભક્તોએ કેટલાક એવા અદ્ભુત દ્રશ્યો પોતાની સગી આંખે નિહાળ્યા, જે અકલ્પનીય હતાં. ઓમ સ્વામી દ્વારા સર્વપ્રથમ વાર તાંત્રિક વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવામાં આવ્યો. ગર્ભગૃહની બહાર બેઠેલાં સેંકડો શ્રદ્ધાળુઓને એ સમયે એવો ભાસ થયો જાણે વિષ્ણુસહસ્રનામના એક શ્લોકનું ગાન પુરુષના સ્વરમાં અને બીજો શ્લોકનું ગાન સ્ત્રીના સ્વરમાં ભાવવાહી સ્વરે થઈ રહ્યું છે, પરંતુ ગર્ભગૃહમાં ઓમ સ્વામીની સાથે હાજર શિષ્ય સ્વામી વિદ્યાનંદનું કહેવું હતું કે અંદર એમના સિવાય અન્ય કોઈ સ્ત્રીની ઉપસ્થિતિ નહોતી. એ સમયે સૌને ખાતરી ગઈ કે ભગવાન શ્રીહરિના વિગ્રહમાં સંપૂર્ણ દૈવત્વની પ્રતિષ્ઠા થાય, એ હેતુથી એમાં પ્રકૃતિ અને પુરુષ બંનેની ઊર્જા રોપવામાં આવી છે!

શ્રદ્ધાળુઓના કથન મુજબ, દિવસો સુધી ચાલેલી પ્રાણ-પ્રતિષ્ઠા વિધિની પૂર્ણાહુતિ સમયે, ઓમ સ્વામીએ ગર્ભગૃહના કપાટ બંધ કરી દીધાં પછી પોતાની સંપૂર્ણ દૈહિક ઊર્જાનો ઉપયોગ કરીને વિગ્રહની આસપાસ મહાતાંડવ કર્યુ હતું. જેવી રીતે મહાદેવીને રીઝવવા માટે સ્વયં દેવાધિદેવ મહાદેવ આનંદતાંડવ કરે, એવા જ પ્રકારનું દિવ્યાતિદિવ્ય નૃત્ય હતું એ! શ્રીવિદ્યા સાધનામાં જેનું અત્યાધિક મહત્વ છે, એવી દસ મહામુદ્રાઓ વડે ઓમ સ્વામીએ મૂર્તિને જીવંત કરી. એમના મુખમાંથી સ્ફૂરી રહેલાં પ્રચંડ બીજમંત્રો એટલા ગૂઢાતિગૂઢ હતાં કે જેનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી.

પરમ દૈવીય રહસ્યની પરાકાષ્ઠા તો ત્યારે આવી, જ્યારે એમનો હુંકાર સમગ્ર મંદિરની દીવાલની આરપાર થઈને આસપાસના પહાડોમાં પડઘાવા માંડ્યો. એવું લાગતું જાણે મહાકાળી પોતાના રૌદ્ર ભાવમાં પ્રગટ થઈને સમય અને મૃત્યુચક્રના અધિષ્ઠાતા દેવ – મહાકાળ – ને પધારવા માટે આહ્વાન આપી રહ્યા છે! એકસાથે દસે-દસ મહાવિદ્યાઓનું પ્રાગટ્ય થઈ ચૂક્યું હોય, એવા એ પવિત્ર વાતાવરણમાં ઓમ સ્વામીનો શુભોનાદ દૂર દૂર સુધી પ્રસરી ગયો. વીસ વર્ષો સુધી કરેલી તીવ્ર સાધનાઓ દરમિયાન અર્જિત કરેલી તમામ મહાવિદ્યાઓ અને તાંત્રિક સિદ્ધિઓને એમણે શંખ-પદ્મ-ગદા-ચક્રધારી ભગવાન શ્રીહરિના વિગ્રહમાં સ્થળાંતરિત કરી દીધી! કાળની સાથે લુપ્ત થઈ ચૂકેલી ઘણીખરી જાગૃત વિદ્યાઓ આજે આ વિગ્રહમાં પ્રાણ-પ્રતિષ્ઠિત છે.

અધ્યાત્મવિશ્વ દ્રઢપણે માને છે કે જે કોઈ સાધક વાસ્તવમાં મંત્રસિદ્ધિ અને તંત્રસિદ્ધિના હેતુ સાથે સાધનાના માર્ગ ઉપર આગળ વધવા માંગતો હોય, તે શ્રીહરિના આ વિગ્રહના દર્શનમાત્રથી જ ઈશ્વરીય માર્ગદર્શન મેળવી શકવા સક્ષમ બને છે.

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *