રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરીએ એક નવજાત શિશુની માફક મને જમીન પર મૂક્યો અને અંતર્ધ્યાન થઈ ગયા! જીવનમાં મને જેમના દર્શન પ્રાપ્ત કરવાની સૌથી વધુ કામના હતી, તેઓ એ જ મહાયોગેશ્વરેશ્વરી ભુવનેશ્વરી હતાં.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । (ભાગ-3) ગયા અઠવાડિયે શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામી સમક્ષ પ્રગટ થયેલાં રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરીના અદ્ભુત પ્રસંગ આપણે રસાસ્વાદ માણ્યો. એમના અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’ના પ્રકરણ-14 (સાક્ષાત્કાર)નો દ્વિતીય અંશ અહીં પ્રસ્તુત છે.
દેવી લલિતામ્બિકાનાં પ્રાગટ્યનું વર્ણન કરતાં ઓમ સ્વામી લખે છે:
“મેં એમના ગૌરવર્ણ સામે જોયું… એમના નયનોમાં સમાહિત અલૌકિક તેજ, નમણું નાક, કમળની પાંખડી સમાન સુંદર ભરાવદાર હોઠ, શ્યામવર્ણી નદીની માફક છેક જમીન સુધી લહેરાઈ રહેલાં એમના કેશ અપ્રતિમ અને અવર્ણનીય ભાસી રહ્યા હતાં. એમનું તેજ એટલું અસહ્ય હતું કે હું વધુ સમય સુધી એમની સામે જોઈ શકું એમ નહોતો.
હું મૂર્છિત થઈને ઢળી પડું, એ પહેલાં જ એમણે મને ઝડપથી છતાં અત્યંત કોમળતા સાથે ઊંચકી લીધો અને મને પોતાના મસ્તકની ઉપર સુધી લઈ ગયા; જાણે હું કોઈ રમકડું માત્ર હોઉં! મેં મારા હાથ એમના ગળા ફરતે વીંટાળી દીધાં. જેવી મેં એમના તરફ નજર કરી કે તરત એમની દેદીપ્યમાન ચમકતી આંખોએ મારા સમગ્ર અસ્તિત્વના એ પ્રત્યેક અણુઓનો નાશ કરી દીધો, જેનાથી હું પરિચિત હતો!
એમના ઘેઘૂર કાળા કેશમાં મેં મારો ચહેરો છુપાવી લીધો અને બીજી જ દુનિયામાં પ્રવેશ્યો. એમના નેત્રો જેટલા ચળકાટભર્યા હતાં, એટલી જ અંધકારમય કહી શકાય એવી આ એક અનંત ઊંડી ખીણ હતી. બ્રહ્માંડના અકલ્પનીય અવકાશમાંથી પસાર થઈને એમણે મને દ્વૈત પ્રકૃતિનો પરિચય કરાવ્યો; કઈ રીતે અંધકાર અને પ્રકાશ, સુખ અને દુઃખ એકબીજાથી અવિભાજ્ય છે, એનું જ્ઞાન પ્રદાન કર્યુ.
પોતાના વરદ્ કરકમળો વડે એમણે મને મારું મસ્તક પાછળની તરફ ઝુકાવવા માટે પ્રેરણા આપી… અને હવે, તેઓ ઉપર જોઈ રહ્યા હતાં મારી સામે! અગણિત લાગણીઓએ મને ચૈતન્યની પરાકાષ્ઠા સમી ગૂઢ સ્થિતિમાં પહોંચાડી દીધો. મેં ફરી એક વખત એમના સુગંધી પુષ્પગુચ્છ સમા કેશમાં મારું મોં ઢાંકી લીધું.
તેઓ મારા નિરંતર નિમંત્રણ અને દ્રઢ સંકલ્પ સાથે આપવામાં આવેલાં આહ્વાનને માન આપવા માટે અહીંયા પધાર્યા હતાં; પરંતુ હવે જ્યારે તેઓ પધારી ચૂક્યા હતાં, ત્યારે મારી પાસે એમને ધરવા માટે શું હતું? કંઈ જ નહીં. સચરાચર બ્રહ્માંડનાં અધિષ્ઠાત્રી એક નિર્જન-ઉજ્જડ ભૂમિ ઉપર બંધાયેલી ઝૂંપડીની ગંદી અને ઉબડખાબડ ધરા ઉપર બેઠાં હતાં! ચિંતામણિગૃહમાં જેમનો નિવાસ છે, એ મહામાયા તો પોતાના દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય રાજસિંહાસન પર બિરાજમાન હોવા જોઈતાં હતાં. એમનું સ્વાગત શી રીતે કરવું, એ અંગે મને કોઈ ગતાગમ નહોતી. બસ, એટલું જ વિચારી રહ્યો હતો કે એક ભિખારી એક મહામહારાજ્ઞીની આગતાસ્વાગતા કઈ રીતે કરે? મારી પાસે પવિત્ર કહી શકાય, એવું કંઈ જ નહોતું કે જે એમના ચરણકમળમાં અર્પણ કરવાલાયક હોય! મારું હ્રદય, મારો દેહ, મારું મન… સઘળું અશુદ્ધ હતું. પૂજામાં ધરવાલાયક નૈવૈદ્યમ્ તો દૂરની વાત છે, પણ મારી પાસે એમને વધાવવા માટે પુષ્પ સુદ્ધાં નહોતાં! આમ છતાં, હું એમને કંઈક આપવા માંગતો હતો.
… અને એ વેળા મેં વિચાર્યુ કે શ્રીમહારાજ્ઞીના નામથી વધુ પાવન પ્રસાદી બીજી શું હોઈ શકે! મારા અંતઃકરણના ઊંડાણમાંથી ભગવતી લલિતામ્બિકા માટે અસ્ખલિત વહેતાં નિર્મળ ઝરણાની માફક એક સ્તુતિ સ્ફૂરી. મેં મારું મસ્તક સહેજ ઉપર ઉઠાવ્યું અને જેટલા મોટેથી ગાઈ શકાય, એટલા મોટા સ્વરે મહિષાસુરમર્દિની સ્તોત્ર ગાવા લાગ્યો. એમણે પુનઃ એક વખત મને અત્યંત કોમળભાવે આગળપાછળ ઝુલાવ્યો; અને કરૂણા, પ્રેમ, દયાથી ભરેલું ગૂઢાતિગૂઢ સ્મિત આપ્યું.
તત્પશ્ચાત્, રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરીએ એક નવજાત શિશુની માફક મને જમીન પર મૂક્યો અને અંતર્ધ્યાન થઈ ગયા! જીવનમાં મને જેમના દર્શન પ્રાપ્ત કરવાની સૌથી વધુ કામના હતી, તેઓ એ જ મહાયોગેશ્વરેશ્વરી ભુવનેશ્વરી હતાં.
મારી ઘડિયાળમાં પ્રાતઃકાળના ૫:૦૮ વાગ્યા હતાં. મેં ખૂબ તીવ્ર સ્વરે પ્રાર્થના કરી અને ભાવવિભોર થતાં થતાં હ્રદય ઠાલવ્યું. રડવાની સાથોસાથ મારા હોઠ પરથી હાસ્ય પણ ઝરી રહ્યું હતું. થોડી ક્ષણો સુધી હું વારાફરતી હસતાં હસતાં અને રડતાં રડતાં આરાધના કરતો રહ્યો. જેમ જેમ સમય પસાર થતો ગયો, એમ એમ મારી સમજમાં આવ્યું કે હું ક્યાં છું અને હમણાં શું બન્યું.
મારી આ અનુભૂતિને નાસ્તિકો તથા શેષ સંસાર કદાચ મતિભ્રમ – ચિત્તભ્રમ અથવા ભાવનાત્મક એકલતા ગણીને નકારી શકે. સત્ય કહું તો, આમાં કંઈ ખોટું પણ નથી; કારણ કે જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં મારી પાસે આવીને કદાચ આ પ્રકારનો અનુભવ વહેંચ્યો હોત, તો હું પણ એના પર વિશ્વાસ ન કરી શકત! મારા શ્રીમાતા સાથેના સાક્ષાત્કારનું ચિત્રણ કરવાયોગ્ય કલ્પનાશક્તિ તો હજુ કદાચ હોઈ શકે, પરંતુ નિશ્ચિતરૂપે એમનું વર્ણન કરવાયોગ્ય શબ્દો મળવા અસંભવ છે.
નિઃશંકપણે, મેં જે અનુભવ્યું હતું એ પર્વતો, મારી આ ઝૂંપડી, જેના ઉપર હું બેઠો હતો એ ભૂમિ અને મારા શ્વાસોચ્છવાસ જેટલું જ વાસ્તવિક હતું. એ શબ્દો, એ સ્પર્શ, એ દિવ્ય ખેલ બધું જ વાસ્તવમાં બન્યું હતું… પરંતુ મારી પાસે એનું કોઈ પ્રમાણ નહોતું. મારા અસ્તિત્વની અવસ્થામાં પ્રવેશી શકનારી વ્યક્તિ જ કદાચિત્ મારી વાસ્તવિકતાને પોતાની આંખે નિહાળી શકે એમ હતી.
… એ અભૂતપૂર્વ દર્શન દરમિયાન મેં અખિલકોટિ બ્રહ્માંડના અનાદિ-અવિચળ-અવિનાશી સત્ય સમાન સર્જનઊર્જાને સાક્ષાત્ નિહાળી હતી!
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.