મારી આસપાસ બની રહેલી તમામ ઘટનાઓની મને સંપૂર્ણપણે જાણ રહેતી… ભમરી અને માખીનો ગણગણાટ, ભીંત પરથી સરકી રહેલો કરોળિયો, વરસાદનાં પ્રત્યેક ટીપાંથી માંડીને બધું જ!
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । (ભાગ-5) આધુનિક સાયન્સ અને ટેક્નોલોજીની જ્યાં સીમા આવી જાય છે, ત્યાંથી અધ્યાત્મવિશ્વનો આરંભ થાય છે એવું હું દ્રઢપણે માનું છું. તાર્કિક અને અતાર્કિક વિચારધારા વચ્ચેની ભેદરેખા અહીં ધૂંધળી પડી જાય છે. શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામીના અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’નો ચતુર્થ અંશ કદાચ આ વાસ્તવિકતા પુરવાર કરવાનું કામ કરે છે.
ઓવર ટુ ઓમ સ્વામી:
માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં મેં મારા મૂત્રપિંડની આસપાસ ભયાનક પીડાનો અનુભવ કર્યો. આશ્ચર્યની વાત તો એ હતી કે મેં પહેલા જ મારું આસન સિદ્ધ કરી લીધું હતું અને હવે અન્ય કોઈ પ્રકારની પીડાની અપેક્ષા પણ નહોતી. ખભા, હાથ, ઘૂંટણ, પીઠમાં અસહનીય દર્દ તથા શરીરમાં અવર્ણનીય થાકનો પહેલાં જ અનુભવ થઈ ચૂક્યો હતો. તો પછી આ નવી પીડા શેની હતી?
મારી પથારી તરીકે લાકડાનાં પાટિયાંનો ઉપયોગ થતો, જેનો વચ્ચેનો ભાગ સાવ નીચે ધસી જઈને વાંકો વળી ગયો હતો. આ કારણોસર તે પાટિયું ઊંચુ-નીચું અને વણઉપયોગી હતું. કદાચ એના પર ધ્યાનમાં બેસવાને કારણે જ નવી પીડાનો જન્મ થયો હતો. મેં પાટિયાં પર મારું ઓશિકું મૂક્યું, પરંતુ તેનાથી ખાસ કંઈ ફરક ન પડ્યો. મેં મારી ઊંઘના કલાકોમાંથી એક કલાક અલગથી કાઢીને શરીરને લચક આપવા માટે યોગાસન શરૂ કર્યા. એના લીધે પીડા થોડી ઓછી થઈ, પણ એ સિવાય વધુ લાભ ન થયો.
હવે મારા માટે સતત કલાકો સુધી ધ્યાનમાં બેસવાની ક્રિયા લગભગ અસંભવ બનવા માંડી. આમ છતાં, એટલી સરળતાથી હું ૧૫૦ દિવસોની સાધના કરવાના મારા સંકલ્પને ખંડિત થવા દઉં એમ નહોતો. આવી કપરી સ્થિતિમાં પણ મારી સાધના અટકી નહીં.
પીડા અંગે વિચાર કરતા કરતા મને અચાનક સૂઝ્યું કે છેલ્લા અઢી મહિનાથી મેં સૂર્ય ભગવાનના દર્શન નહોતાં કર્યા. સવારનું ભોજન પણ હું ત્યારે ગ્રહણ કરતો હતો, જ્યારે અંધારું હોય! દિવસના ભાગે ક્યારેક હું કુટિરમાંથી બહાર જરૂર આવતો, પરંતુ સૂર્યપ્રકાશ જોયાને દસ અઠવાડિયા જેટલો સમય વીતી ચૂક્યો હતો. એક અત્યંત ઠંડી કુટિરમાં હું વસવાટ કરતો હતો અને મારા દેહને ગરમ કરવા માટે ક્યારેય અગ્નિનો ઉપયોગ સુદ્ધાં નહોતો કરતો. પછીના દિવસે યોગાસન કરવાને બદલે મેં કુટિરની બહાર પાથરણું પાથર્યુ અને સૂર્યપ્રકાશની દિશામાં પીઠ રાખીને બેસી ગયો. એ રાતે મારી પીડા ઘણા અંશે શમી ગઈ.
થોડા દિવસો સુધી મેં આ નિત્યક્રમ જાળવી રાખ્યો અને મારું દર્દ ક્રમશઃ ગાયબ થઈ ગયું. પીડા ઉદ્ભવવા પાછળના વાસ્તવિક કારણની મને ક્યારેય જાણ ન થઈ, પરંતુ સૂર્યપ્રકાશમાં બેસવાને કારણે સઘળું ઠીક થઈ ગયું.
એકાંતની મીઠાશનો લુત્ફ ઉઠાવવા ઉપરાંત શાંત મનના મહાસાગરમાં ડૂબકી લગાવતા લગાવતા, મેં મારા દિવસો ગહન સમાધિ અને અણીશુદ્ધ કાચ સમાન જાગૃકતા સાથે પસાર કર્યા. મારી આસપાસ બની રહેલી તમામ ઘટનાઓની મને સંપૂર્ણપણે જાણ રહેતી… ભમરી અને માખીનો ગણગણાટ, ભીંત પરથી સરકી રહેલો કરોળિયો, વરસાદનાં પ્રત્યેક ટીપાંથી માંડીને બધું જ! મનમાં ઉઠતાં દરેક વિચારો પર મારું એકાગ્રચિત્ત રહેતું. વાસ્તવિક જાગૃકતાનું આ એક અસાધારણ સ્તર હતું.
પૂર્વાભાસ થવાની ક્ષમતા એક નવા જ પરિમાણમાં પ્રવેશી ચૂકી હતી. અલગ અલગ વિષયો પરના પ્રશ્નોનો સચોટ ઉત્તર મને મારા અંતરાત્મા પાસેથી મળી રહેતો. એક દિવસ એ જ અંતરાત્માએ મને કામાખ્યા મંદિરની મુલાકાત લેવાનો આદેશ આપ્યો. ભીત્તરથી આવેલો એ સ્વર મને જણાવી રહ્યો હતો કે ત્યાં હું સર્વોચ્ચ તાંત્રિક દીક્ષા પ્રાપ્ત કરીશ. મને ભૈરવી માનું સ્મરણ થઈ આવ્યું, જેમણે બદરીનાથમાં જ આ અંગે ભવિષ્યવાણી કરી હતી. મારી સાધના પૂર્ણ થયા પછી મેં કામાખ્યા જવાનો નિશ્ચય કર્યો.
હાલપૂરતું, હું વર્તમાન ક્ષણમાં જીવી રહ્યો હતો. હું આનંદસાગરમાં તરી રહેલી હોડી સમાન હતો… કે પછી એમ કહું કે હું સ્વયં જ અગાધ-અનંત આનંદસાગર હતો!
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.