- વલસાડ ટાઉન પોલીસ મથકની મહિલા પી.એસ.આઈ.એ વકીલ મારફત નાણાં માંગ્યા હતાં.
- ACBના છટકામાં વકીલ રંગે હાથે ઝડપાયો, પી.એસ.આઈ. હાજર નહોતી.
Valsad. ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવો એ સરકારી અધિકારીનો નોકરી સિદ્ધ હક્ક હોય, તેમ જણાઈ રહ્યું છે. રાજકારણીઓની કુરનીશ બજાવવી અને સામાન્ય પ્રજાજનોને પર દમ ભીડવો એ પોલીસ તંત્રનાં ઘણાં કર્મચારીઓની ટેવ બની ગઈ છે. જોકે, છાશવારે લાંચિયા અધિકારીઓ ઝડપાય છે છતાં લાંચ લેવાની વૃત્તિ બંધ થતી નથી. ચોંકાવનારી વિગત તો એ છે કે, હવે તો મહિલા કર્મચારીઓ પણ લાંચ લેવામાં ગભરાતી નથી. વલસાડમાં આરોપીને હેરાન નહીં કરવા અને અન્ય કેસમાં નહીં સંડોવી દેવાના નામે મહિલા પી.એસ.આઈ.એ વકીલ મારફત દોઢ લાખની લાંચ માંગી હતી. જોકે, આ અંગેની આરોપીની માતાએ અમદાવાદ એસીબીને જાણ કરી દેતાં, એસીબીએ લાંચના આ પ્રકરણ પર બ્રેક લગાવી હતી.
એસીબીને લાંચ પ્રકરણ અંગે જાણ કરનાર ફરિયાદી બાઈના પુત્રનું નામ વલસાડ ટાઉન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ખુલ્યું હતું. પ્રોહિબિશનના ગુના અંગે આરોપીએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતાં. જોકે, મહિલા પી.એસ.આઈ. વાય. જે. પટેલે આરોપીને વારંવાર સીઆરપીસી 41 – 1 હેઠળ નોટીસ પાઠવીને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા જણાવ્યું હતું.
ત્યારબાદ મહિલા પી.એસ.આઈ. વાય. જે. પટેલે પ્રોહિબિશનના ગુનાના મામલાની પતાવટ માટે તેમજ અન્ય કેસમાં નહીં સંડોવવા માટે તેમજ હેરાનગતિ બંધ કરવા માટે વકીલ ભરતકુમાર ભગવતીપ્રસાદ યાદવ મારફતે રૂ. દોઢ લાખની લાંચ માંગી હતી. આરોપીની માતાને લાંચ આપવી મંજૂર ના હોવાથી તેણે અમદાવાદ એસીબીને જાણ કરી દીધી હતી. જેને પગલે એસીબીએ છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું.
તા. 17 નવેમ્બરના રોજ એસીબીએ ગોઠવેલાં છટકાંમાં મહિલા પી.એસ.આઈ. વતિ લાંચ લેવા આવેલો વકીલ ભરતકુમાર રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જોકે, મહિલા પી.એસ.આઈ. સ્થળ પર હાજર મળી નહોતી. લાંચ લેનાર વકીલને ડિટેઈન કરી, એસીબીએ મહિલા પી.એસ.આઈ. વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Funrang #Gujaratnews #latestnews #gujaratinews,