- શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાની મેયર સાહેબની મચેચ્છા પુરી નહીં થાય!!?
- નવાપુરા પોલીસ મથક પાસે આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે બે ગાય બાખડી.
- લડતી ગાયનો વિડીયો યશ રાવલે ઉતાર્યો.
FunRang News. વડોદરા શહેરના માર્ગોને રખડતાં ઢોરમુક્ત કરવાની મેયર કેયૂર રોકડીયાની મહેચ્છા પુરી થાય તેવી કોર્પોરેશન તંત્રની કોઈ ઇચ્છા ના હોય એવું લાગે છે. શહેરના માર્ગો પર બિન્દાસ્ત રીતે ફરતા રખડતાં ઢોર જોવા મળે છે. ઢોરપાલકો દ્વારા કચરો ખાવા માટે છુટ્ટી મુકી દેવામાં આવતાં ઢોરને કારણે રાહદારીઓના જીવ પર જોખમ તોળાય છે. જોકે, થોડા દિવસ હોહા કર્યા બાદ બધું હતું એવુંને એવુ થઈ જતું હોય છે.
આજરોજ યશ રાવલ નવાપુરા વિસ્તારના ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતાં. તે વખતે ત્યા બે ગાય બાખડી પડી હતી. આ સમગ્ર ઘટનાનો યશ રાવલે મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. યશ રાવલે જણાવ્યું કે, ગાય બાખડી પડતાં એક કારને નુકસાન પહોંચ્યું હતું. બાકી, કોઈ રાહદારીને ઇજા પહોંચી નહોતી. પણ, થોડીવાર માટે માર્ગ પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.
વિડીયો જોયા બાદ યશ રાવલને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, ગાય શા માટે ઝગડી? જેના જવાબમાં મજાકના સૂર છેડતાં યશ રાવલે ઝગડાના વિવિધ કારણો રજૂ કર્યા હતાં. યશ રાવલની સાથેની ચર્ચાને આધારે બે ગાય વચ્ચે થયેલાં ઝગડાનાં કારણો અંગેની સ્ક્રિપ્ટ અત્રે પ્રસ્તુત છે.
ખાસ નોંધ – આ કાલ્પનિક સંવાદને વિડીયો સાથે સરખાવીને જોશો તો વિશેષ મઝા આવશે. કારણકે, સામાન્ય બાબત પર ઝગડો કરનારી બંને ગાય… અન્ય બે ગાય નજીક આવ્યા બાદ ઝગડો પૂરો કરીને ભાગવા લાગે છે.
(ઝગડાની શક્યતા 1)
ગાય 1 – બોલ, આજે આપણને કોર્પોરેશનની ઢોર પાર્ટી પકડી જશે.
ગાય 2 – અરે ના હવે… બધું નાટક પતી ગયું..
ગાય 1 – અરે ગમે ત્યારે ટ્રેક્ટર લઈને આવી જશે.
નાની ગાય – તમે બિવડાવો નહીં… શાંતિથી કચરો ખાવા દો…
ગાય 1 – તું તારું કામ કરને…
ગાય 2 – જો ઢોર પાર્ટી આપણને પકડશે નહીં…
ગાય 1 – તને આટલો વિશ્વાસ કેમ છે.
ગાય 2 – છે… આપણાં માણસો પણ છે કોર્પોરેશનમાં… તું શાંતિથી કચરો ખા… મારો જીવ ના ખા..
ગાય 1 – જો હું એકવાર પકડાઈ છું…. મને ખબર છે કેટલી તકલીફ થાય છે…
ગાય 2 – આજે તને ઢોરપાર્ટી પકડવા નહીં આવે… બસ…
ગાય 1 – પણ જો આવી ગઈ તો…
ગાય 2 – તારે શાંતિથી ખાવું છે કે…
ગાય 1 – એમાં અકળાય છે શેની… એક ભેંટી મારીશને તો… (હજી ગાય 1 વાત પુરી કરે ત્યાં તો ગાય 2 દ્વારા ભેટી મારી દેવાઈ અને બબાલ શરૂ થઈ. જે વિડીયોમાં જોઈ શકાય છે.)
(ઝગડાની શક્યતા 2)
ગાય 1 – અરે, તમે લોકો ભેગા ના થાવ… તું દૂર જઈને કચરો ખા…
ગાય 2 – વાહ, તારે એકલાંએ આ કચરો ખાવો છે નહીં…
ગાય 1 – અરે એવું નથી… પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે, 4 લોકોએ ભેગા થવું નહીં… આપણે વધારે છીએ… કાયદાનું પાલન તો કરવું પડે…
ગાય 2 – વાહ વાહ… પોતાને સારો કચરો ખાવો છે એટલે અમને અહીંથી કાઢે છે અને…
ગાય 1 – જો ખોટી દલીલ ના કર… આ આજકાલના યુવાનિયાઓને…
ગાય 2 – એમ હોય તો તું જા… તું ત્યાં કચરો ખા… અમે અમારું ફોડી લઈશું…
ગાય 1 – જો પોલીસ સ્ટેશન નજીકમાં છે… ખોટી માથાકૂટ ના કરીશ… નહીંતર…
ગાય 2 – નહીંતર શું… શું કરી લઈશ…
ગાય 1 – તારે જોવું જ છે… તો લે… (બસ… શિંગડા ભેરવી દેવાયા.)
(ઝગડાની શક્યતા 3)
ગાય 1 – ઓય તું શેની રસ્તા પર રખડવા નિકળી પડી… ખબર નથી ઢોરપાર્ટી પકડી જાય છે. ચાલ ઘરે… જો તારી નાની બહેન પણ આવી છે સાથે…
ગાય 2 – અરે કોઈ કંઈ પકડવાનું નથી… આ બધાં તો બોલ્યાં કરે… બસ્સો – પાંચસોના ઘરાક છે..
ગાય 1 – તું એ બધી આડી વાત ના કર… ચાલ આપણાં કારણે રાહદારીઓને તકલીફ પડે છે.
ગાય 2 – તો રસ્તો શું માણસો માટે જ છે.. આપણે પવિત્ર છીએ… કેટલાં લોકો આપણાં દર્શન કરે છે… તું જા… અને અમે તો સાત પેઢીથી રસ્તાઓ પર રખડીયે છીએ… કોઈના બાપની તાકાત નથી કે…
ગાય 1 – ના… હવે જમાનો બદલાયો છે… એમ હોય તો આપણે ઉત્તર પ્રદેશ જતાં રહીશું… પણ, અત્યારે ચલ…
ગાય 2 – ના પાડીને… નહીં આવું… (બસ… વાતથી ના પત્યું એટલે શિંગડા ભેરવ્યાં)
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg