આંતરરાષ્ટ્રીય  માનવ અધિકાર દિનના અભિનંદન સાથે દેવરાજ ઇન્દ્રના દરબારમાં વૃદ્ધાએ કરેલી ‘મનની વાત’ અત્રે પ્રસ્તુત છે.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

અનિલ દેવપુરકર

(પૂર્વાર્ધ)

ઈન્દ્રદેવે એમના હોઠના એક ખૂણાને એક દિશા તરફ લંબાવી સહેજ મર્માળા સ્મિતે હાથ ઊચો કરી પંજો દેખાડતાં કહ્યું, તથાસ્તુ.. તેમ થાઓ…

એ સાથે આનંદથી કિકિયારીઓ પાડતું એ ટોળું પાછું વળ્યું, ત્યારે સામૂહિક સ્વરે કોઈ બે અક્ષરી શબ્દના લયબદ્ધ રીતે થતા સામૂહિક ઉચ્ચારણો વાતાવરણમાં પડઘાતા હતા.

સહેજ સ્વસ્થ થઈ દેવરાજ ઇન્દ્રએ દ્વારપાળ તરફ જોઈને કહ્યું… નેક્સ્ટ….

(મનની વાત: ભાગ – ૨)

દ્વારપાળે બહાર મુલાકાતીઓના ખંડ તરફ જોઈ હાથથી ઈશારો કર્યો.

ક્યારની બહાર બેસી પોતાના વારાની રાહ જોઈ રહેલી માત્ર ૭પ વર્ષની કુમળી વયે જ જીર્ણશીર્ણ અને હાડપિંજર જ લાગતી અશક્ત વૃદ્ધાએ લાકડીના ટેકે ખોડંગાતાં ડગલે અંદર પ્રવેશ કર્યો.

દેવરાજ ઈન્દ્રના દરબારખંડની ઝાકઝમાળથી આંખો અંજાઈ ગઈ હોય એમ એણે ક્ષણેક પોતાની હથેળી આંખો આડે ધરી લીધી.

દેવરાજ ઈન્દ્ર સમક્ષ પહોંચતાં સુધીમાં તો તે પરસેવે રેબઝેબ થઈ રીતસર હાંફી રહી હતી. એની દયા ખાઈ ઈન્દ્રરાજ એને પાણીનો ગ્લાસ ધરવાનું વિચારતા જ હતા, ત્યાં એણે જમણા હાથની આંગળી કપાળ પર ફેરવી પરસેવાની બુંદો સમેટી એ આંગળી જીભ પર ફેરવી. એ રીતે એણે એની કોરી પડી ગયેલી જીભને બોલવાક્ષમ ભીની કરી.

સહેજ શ્વાસ હેઠો બેઠો એટલે એણે દેવરાજ ઈન્દ્રને નમન કર્યું. ઈન્દ્રરાજે દયાર્દ નજરે એની સામે જોઈને કહ્યું, બોલો માજી… શું હતું..?

માજીએ સહેજ ગુસ્સાથી થરથરતા કહ્યું, તમે મહારાજ છો તો શું થયું? મને માજી કહેતાં તમને શરમ નથી આવતી?

આવા અચાનક શાબ્દિક હુમલાથી ક્ષણિક અવાક્‌ થઈ ગયેલા દેવરાજ ઈન્દ્રએ કહ્યું  પણ… તમારી આ અવસ્થા જોઈને મેં તો….

હજુ તો ઈન્દ્રદેવ વાક્ય પૂરું કરે ત્યાં તો વૃદ્ધાએ કહ્યું, હજુ વીસેક વર્ષ પહેલાં તો હું રૂપ રૂપનો અંબાર હતી, પરંતુ પછી મારી દશા બેઠી.બારેક વર્ષ તો મેં એવી આશામાં કાઢ્યા કે આજે નહીં ને કાલે ફરી મારા સારા દિવસો આવશે. પણ પછીનો લગભગ આઠ વર્ષના ગાળામાં તો રીતસર મારી ટુકડે ટુકડે હત્યા જ થતી રહી. અને પછી,મારું જ ધાવણ ધાવીને ઉછરેલાં મારા સંતાનો એવા આત્મકેન્દ્રી શાસકોએ મારો આત્મા જ મારી નાંખી મને સ્વર્ગવાસી કરી દીધી. બોલતા બોલતાં હાંફી રહેલી વૃધ્ધાએ ગુસ્સામાં ધ્રુજતા ધ્રુજતા ઉમેર્યું, મને જીવંત રાખવાની, તંદુરસ્ત રાખવાની અને સમગ્ર વિશ્વને ઈર્ષ્યા થાય એવી દમામદાર બનાવી રાખવાની જેની જવાબદારી હતી એ શાસક બની બેઠેલા મારા સંતાનોએ જ રોજેરોજ મને નહોંચી, મારું રક્ત પીધું, મને પોષણક્ષમ ખોરાક આપવાને બદલે હું રિબાઈ રિબાઈને મરું એવા બધા જ કરતૂતો કર્યા એમના પાપે મારી આ અવસ્થા થઈ એમાં મારો શું વાંક?

વૃદ્ધાના વેધક સવાલથી ઈન્દ્રદેવે ભવાં ચઢાવ્યાં અને જાણે મગજમાં ઝબકારો થયો એમ સહેજ સતેજ થઈ પૂછયું, તમારું નામ?

વૃદ્ધાએ સાડીના પાલવથી મોઢું લુછી એના પર સહેજ ચમક લાવવાના વાંઝિયા પ્રયાસ સાથે ટૂંકો જવાબ આપ્યો.

‘લોકશાહી’

ઈન્દ્રદેવને પોતાનું અનુમાન સાચું પડ્યાનો આનંદ થયો અને એ એમના ચહેરા પર ડોકાયો સુધ્ધાં. એમણે એ છૂપાવવાનો પ્રયાસ કરતાં વળતો પ્રશ્ન પૂછયો, બોલો, કેમ આવવું થયું?

વૃદ્ધાએ હાથમાંની લાકડીને સહેજ ઠીક રીતે પકડીને સ્થિર ઊભા રહેવાનો પ્રયાસ કરી કહ્યું, મારે, મારું નામ બદલાવવું છે.

દેવરાજ ઈન્દ્રના દરબારમાં આવો આ કદાચ પહેલો જ કિસ્સો હશે એટલે વૃદ્ધાનું વાક્ય સાંભળતાં જ એ ઉછળ્યા અને સિંહાસન પર જરા વધુ સરખી રીતે બેસતાં એમણે પૂછયું, શું… શું..? શું કહ્યું તમે?

વૃદ્ધાએ એક-એક શબ્દ છૂટો પાડી સ્પષ્ટ ઉચ્ચાર સાથે વાક્ય દોહરાવ્યું, ‘મારે મારું નામ બદલાવવું છે…’

દેવરાજ ઈન્દ્રએ ક્ષણિક વિચારીને પૂછયું, પણ, કેમ નામ બદલાવવું છે?

વૃદ્ધાએ કહ્યું કે, જે ગુણધર્મો, જે ઉદ્દાત હેતુઓ, માનવીય ગૌરવને શિરોધાર્ય ગણતી ઉચ્ચ ભાવના અને સુદૃઢ સમાજના ઉમદા આશય અને ખાસ તો સર્વ પ્રકારના સ્વાતંત્ર્યની ગૌરવ-ગરિમા મારા નામમાં અભિપ્રેત હતી એમાનું કશું હવે મારામાં અંશમાત્ર પણ બચ્યું હોય એમ મને નથી લાગતું. એટલે મારું નામ હવે અર્થહિન અને નિર્જીવ થઈ ગયું હોવાથી મારે એ બદલાવવું છે.

દેવરાજે એક આંખ ઝીણી કરી વૃદ્ધા તરફ તાકતાં પૂછયું, ઠીક છે… પણ તમે તમારું નવું નામ શું વિચાર્યું છે?

‘ગુલામી’

વૃદ્ધાએ ટૂંકોટચ જવાબ આપ્યો.

દેવરાજે થોડીવાર વિચાર કરી કહ્યું, મને આ નિર્ણય કરવા થોડો સમય જોઈશે.તમે આવતા સપ્તાહે એટલે કે આઠમી ડીસેમ્બરે પાછા આવજો.

જાણે આ જ જવાબની અપેક્ષા હોય એમ વૃદ્ધાએ હાથ જોડી વિનવણીના સ્વરે કહ્યું, ભલે મહારાજ… પણ મારા હિતમાં નિર્ણય લેજો. આમ કહી વૃદ્ધા ધીમા પગે પાછી વળી.

દેવરાજ એને જતાં જોઈ રહ્યાં. વૃદ્ધા બહાર નીકળી એટલે દેવરાજ ઈન્દ્રએ દ્વારપાળ તરફ જોઈ કહ્યું, નેક્સ્ટ…

વૃદ્ધા ઈન્દ્રના દરબારખંડમાંથી બહાર નીકળી પરત મુલાકાતીઓના ખંડમાં પ્રવેશી ત્યાં સામે જ એણે એક વૃદ્ધને બેઠેલા જોયા. એની છાતીમાંથી વહી રહેલી રક્તની ધારને પોતાની જ પોતડીના એક ખૂણાથી લૂછી રહેલા વૃદ્ધ ગણગણી રહ્યા હતા, વૈષ્ણવજન તો તેને રે કહીએ….જે પીડ પરાઈ જાણે રે..

એક નજર એ વૃદ્ધ તરફ નાખી વૃધ્ધા બબડી… હવે આ ડોસો.. શું માગવા આવ્યો હશે, કોણ જાણે…!!!

(ક્રમશ:)

(અનિલ દેવપુરકરની ફેસબુક વોલ પરથી સાભાર)

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *