- રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે ત્યારે ટ્રાફિકને ક્યારેય અડચણરૂપ નહીં થતી બિચારી બકરીઓને સન્માન આપવાની જરૂર નથી?
- બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મતિથી છે, તો એમની પ્રિય બકરી માટે બીજી ફેબ્રુઆરી યોગ્ય ગણી શકાય.
- બકરી વિશેષજ્ઞોએ “બે – બે”નું “બેએએ – બેએએ” કરવા માટે બખેળો ઉભો કરવો જરૂરી નથી.
- આપનો પ્રતિભાવ ફેસબુક, વોટ્સએપ તેમજ વેબસાઈટ પર કોમેન્ટ કરીને આપી શકો છો. અમે બે – બે નહીં કરીએ.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
મેહુલકુમાર વ્યાસ । છેલ્લાં ઘણાં સમયથી શહેરી વિસ્તારોમાં રસ્તે રખડતાં ઢોરનો પ્રશ્ન અચાનક વિકરાળ થઈ ગયો છે. છાશવારે ગાય – ભેંસ કે આખલાને કારણે રાહદારીઓએ હેરાનગતિ ભોગવવી પડી હોવાના કે મૃત્યુ થયું હોવાના સમાચારો સાંભળવા મળે છે. રાહદારીઓ તો ઠીક રેલ્વે ટ્રેક પર દોડતી વંદે ભારત ટ્રેનને પણ રખડતાં ઢોરની ઘાત નડી હોવાના કિસ્સા સામે આવ્યા છે. આવા સંજોગોમાં બિચારી બકરી અંગે વિચાર કરવાનો કોઈની પાસે સમય જ નથી.
વિશ્વ વિખ્યાત મહાત્મા ગાંધીજીની પ્રિય એવી બકરીની કોઈને પડી જ નથી. રાજકારણીઓ તો મહાત્માને મને-ક-મને શ્રદ્ધાંજલી આપતાં હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા સુદ્ધા મહાત્માના નામે રોકડી કરી લેવાના પેંતરા કરતાં હોય છે પરંતુ, બિચારી બકરી… એનું કોઈ મૂલ્ય જ નહીં? જે બકરીનું દૂધ પીવાનું મહાત્માને ગમતું હતું. એ બકરી માટે વર્ષમાં એક દિવસ તો કાઢવો જ જોઈએ.
‘બે – બે’ કરીને ફરતી બિચારી બકરીએ કોઈ રાહદારીને ટક્કર મારી હોય એવા કિસ્સા આજસુધી સાંભળવા નથી મળ્યા… એટલે મને થયું કે તારીખ બે બે (બીજી ફેબ્રુઆરી)ને વિશ્વ બકરી દિવસ તરીકે ઉજવવો જોઈએ. પણ, પછી ઇન્ટરનેટમાં ખાંખાખોળા કરતાં ખબર પડી કે વિશ્વ બકરી (ગોટ) દિવસ તો 21 ઓગષ્ટ ઘણાં સમય પહેલાંથી વિદેશીઓએ નક્કી કરી નાંખ્યો છે. દર વર્ષે એ નિમિત્તે વિવિધ દેશોમાં કાર્યક્રમો યોજાય છે. જોકે, ભારતમાં વર્લ્ડ ગોટ ડે ફોરગોટ થયેલો જોવા મળે છે.
ઘણી શોધખોળ કરવાં છતાં ઈ-વર્લ્ડમાં એવું કંઈ જાણવા નથી મળતું કે ભારતના મોટા શહેરો તો ઠીક નાના અંતરીયાળ ગામડામાં પણ કોઈ ઉજવણી કરવામાં આવી હોય. આટલી જાણકારી પરથી મનમાં ખુબ રાહત થઈ… થયું કે ચાલો વિશ્વ બકરી દિવસ નહીં તો રાષ્ટ્રીય બકરી દિવસ અંગે તો વિચારી જ શકાય. મહાત્મા ગાંધીજીની જન્મતિથી બીજી ઓક્ટોબર છે એટલે રાષ્ટ્રીય બકરી દિવસ માટે બીજી ફેબ્રુઆરી બરોબર પરફેક્ટ છે. આમાં વધારે બેએએએ – બેએએએ કરવા જેવું જણાતું નથી.
છતાંય કોઈ બકરી પ્રેમીઓને કે બકરી વિશેષજ્ઞોને આમાં વાંધો ઉઠાવવો હોય, બોયકોટ ટ્રેન્ડ કરવો હોય, આ લેખ ફાડવો હોય તો એમને પૂરી છૂટ છે. આમ તો, આખી વાતમાં ક્યાંય કોઈની ચકલીની ચરક જેટલી લાગણી દુઃભાય એવું કંઈ જણાતું નથી. પરંતુ, આજકાલ દેશમાં જાણ્યા વગર વિરોધ કરવાનો ટ્રેન્ડ છે. એટલે એનું કંઈ કરી શકાય એમ નથી.
હવે પ્રશ્ન થાય કે, રાષ્ટ્રીય બકરી દિવસ ઉજવવો કેવી રીતે?
સૌથી પહેલી વાત તો એ કે, બકરીનો કોઈ ધર્મ નથી હોતો. ગમે તેના ઘરની બકરી હોય, ગમે તે પ્રાંતની બકરી હોય… એ બિચારી એક સરખું બેએએએ… બેએએએ કરતી હોય છે. માટે અહીં ધાર્મિક એન્ગલ ઘુસાડવો નહીં… હા કેટલાંક અતિચતુર, અતિદંભી લોકો કહેશે કે કેટલીક બકરીઓ મેએએએ મેએએએ કરતી હોય છે. તો એવાં લોકો ખુલાસો કરી દઉં કે, જેમને દરેક કાર્યમાં મેં કર્યું… મેં કર્યું… કરવાની ટેવ હોય એવા લોકોને જ બકરીનું મેએએએ મેએએએ સંભળાય છે. બાકી એ બિચારી તો બેએએએ બેએએએ જ કરતી હોય છે. એકરીતે બકરી ગરીબીનું પ્રતિક છે એ લાચારી વધુ વ્યક્ત કરે છે.
રાષ્ટ્રીય બકરી દિવસ ઉજવવા માટે ગાયની માફક એકાદ દિવસ રસ્તાઓ પર મ્હાલવા દેવામાં આવવી જોઈએ. રસ્તા પરનો કચરો ખાવાનો એકાધિકાર માત્ર રખડતાં મોટા ઢોરો પાસે જ છે એવું તો ના ચાલે. સાથે રસ્તે રખડવા નિકળેલી બકરીઓને બખ્તર પહેરાવી દેવું જોઈએ જેથી કોઈ વાહનની અડફેટે બિચારીને ઈજા ના પહોંચે.
ટૂંકમાં કહું તો, તારીખ બે – બે (બીજી ફેબ્રુઆરી)ના રોજ બકરીઓને એવું લાગવું જોઈએ કે આ દેશમાં એમના જેવા બિચારા નાના પ્રાણીની કોઈ કિંમત છે.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.