• અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરવા દરમિયાન બનેલાં મિત્ર થકી વ્યાજે કુલ 70 હજાર લીધા હતાં.
  • સાક્ષી રહેલાં મિત્રએ વ્યાજના રૂપિયા વ્યાજખોરોને ચૂકવવાને બદલે ચાંઉ કર્યા અને ફરી ગયો.
  • મિત્રએ નાણાં ચાઉં કર્યા બાદ વ્યાજખોરોનો ત્રાસ વધતાં આધેડે સાબરમતી નદીમાં આપઘાત કર્યો.

ગાંધીનગર. ખાસ મિત્રએ વિશ્વાસઘાત કરતાં આઘાતમાં સરી પડેલાં આધેડે સાબરમતી નદીમાં ઝંપલાવીને મોત વ્હાલુ કર્યું હતું. નોકરી દરમિયાન ખાસ મિત્ર બની ગયેલા શખ્સે આધેડને વ્યાજે રૂપિયા અપાવવામાં મદદ કરી હતી. બાદમાં મિત્ર થકી જ વ્યાજખોરોને નાણાં ચુકવનાર આધેડને ખબર પડી કે, મિત્રએ નાણાં ચાંઉ કરી દીધા છે, વ્યાજખોરોને આપ્યા જ નથી. અને એમાંય છેવટે મિત્રએ રૂપિયા મળ્યાં જ નથી એમ કહી હાથ અધ્ધર કરી દેતાં, મિત્રના વિશ્વાસઘાતથી આઘાતમાં સરી પડેલાં આધેડે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ મામલે ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રના વિશ્વાસઘાતને પગલે જીવ ગુમાવવાની ઘટના એવી છે કે, અમદાવાદના કોતરપુર નંદીપાર્ક સોસાયટીમાં પત્ની, બે પુત્ર અને પુત્રી સાથે રહેતાં 45 વર્ષિય મહેશભાઈ માનસિંગ ડાંગી ગત તા. 22 નવેમ્બરના રોજ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતાં. તેમનો ફોન પણ સ્વિચ્ડ ઓફ આવતો હતો. મોડી રાત સુધી મહેશભાઈ ઘરે નહીં આવતાં મોટા પુત્ર રૂપેશ સહિતના સગાંસંબંધીઓએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેઓનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

બીજા દિવસે રૂપેશે પરિચિત પોલીસવાળાની સલાહ અનુસાર ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી. સાથે ઘરે તીજોરીમાં રહેલું મહેશભાઈનું લૉકર પણ ખોલ્યું હતું. લૉકરમાંથી મહેશભાઈનો મોબાઈલ મળ્યો હતો. ફોન ચાલુ કરીને તપાસ કરતાં છેલ્લે તેમણે વ્યાજખોર ઉર્વિશ છારા, બેન્ક અને પોતાની બહેન સાથે વાત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ગેલેરીમાંથી સ્યુસાઈટ નોટ મળી આવી હતી. સ્યુસાઈડ નોટ મળી આવતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતાં. મહેશભાઈએ કાગળ પર લખેલી સ્યૂસાઈડ નોટનો ફોટો પોતાના મોબાઈલથી પાડી લીધો હતો.

સ્યૂસાઈડ નોટમાં જણાવ્યા પ્રમાણે, ત્રણ વર્ષ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર લૉડર તરીકે નોકરી કરવા દરમિયાન સહ કર્મી સંજય રોહિતભાઈ છારા તેમનો ખાસ મિત્ર બની ગયો હતો. એ વખતે રૂપિયાની જરૂર પડતાં મહેશભાઈએ ખાસ મિત્ર સંજયને વાત કરી હતી. સંજયે કુબેરનગરના સંતોષીનગરમાં રહેતી પોતાની સાળી કવિતા પાસેથી મુકેશભાઈને ટુકડે ટુકડે રૂ.70 હજાર વ્યાજે અપાવ્યા હતાં.

ઉધાર લીધેલાં નાણાંનું વ્યાજ મહેશભાઈ 21 ડિસેમ્બર 2020થી દર મહિને નિયમિત રીતે સંજયને આપતાં હતાં. જેથી તે વ્યાજ પોતાની સાળી કવિતાને આપી દે. એક તબક્કે  વ્યાજ ચક્રમાંથી નિકળવા તેમણે બેન્કમાંથી લોન લઈ, બાકીની તમામ રકમ સંજયને આપી દીધી હતી. જોકે, સંજયે વ્યાજના નાણાં કવિતાને આપવાને બદલે પોતે જ વાપરી નાંખ્યા હતાં. જેને પગલે કવિતા અને તેનો પુત્ર ઉર્વિશે મહેશભાઈ પાસે નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી. આ મામલે મિત્રના નાણાં ચાઉં કરી નાંખનાર સંજયે પણ કોઈ રૂપિયા મને મળ્યા નથી એમ કહી હાથ ઉંચા કરી દીધા હતાં.

ખાસ મિત્ર સંજયે વિશ્વાસઘાત કરતાં મહેશભાઈને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. તો નાણાંની ઉઘરાણી માટે કવિતાએ બળજબરીથી બે કોરા ચેક, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ લઈને પ્રોમેસરી નોટ લખાવી દીધી હતી. તાજેતરમાં ઉર્વિશ દસ જેટલાં શખ્સોને લઈને મહેશભાઈના ઘરે નાણાંની કડક ઉઘરાણી કરવા પહોંચ્યો હતો. જોકે, ઘરે પરિવારજનો હાજર હોઈ મહેશભાઈ તેને બહાર મળવા ગયા હતાં.

ત્યારે ઉર્વિશે ધાકધમકી આપી હતી અને રૂપિયા માટે ફરી લખાણ કરવા માટે નોટરી પાસે જઈને સહી કરી આવવા ધમકાવ્યા હતાં. ખાસ મિત્રએ કરેલાં વિશ્વાસઘાત અને વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટળીને મહેશભાઈ ગત તા. 22મી નવેમ્બરે સ્યુસાઈડ નોટ લખી ઘરેથી નિકળી ગયા હતાં.

ઘટના અંગે જાણ થતાં રૂપેશ સરદાર નગર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યા વ્યાજખોર ઉર્વિશનો ફોન આવ્યો હતો. ત્યારે રૂપેશે પિતા અંગે પુછપરછ કરતાં ઉર્વિશે ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ રૂપેશ પિતાને શોધવા નિકળ્યો હતો. જ્યાં ટોલ ટેક્ષ પર નોકરી કરતાં મિત્ર તરફથી રૂપેશને જાણ થઈ કે તેના પિતા આગલી રાતે અગિયાર વાગ્યા બાદ ભાટ ટોલ ટેક્ષ તરફ ગયા હતાં. જેને પગલે રૂપેશ સહિતના સગાં પિતાને શોધવા સાબરમતી બ્રિજ પર પહોંચ્યા હતાં. જ્યાં સાબરમતી નદીના કિનારે મહેશભાઈની લાશ મળી આવી હતી. કપડાં અને હાથના કડાંને આધારે રૂપેશે પિતાને ઓળખી કાઢ્યા હતાં. મૃતદેહના પેન્ટના ખિસ્સામાંથી કાગળમાં લખેલી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. જોકે, તે પલળી ગઈ હતી.

ઇન્ફોસિટી પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપી, આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે રૂપેશે સંજય છારા, કવિતા અને ઉર્વિશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તૈયારી હાથ ધરી છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *