- માતા – પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.
- લગ્નની ખરીદી કરવા જવાનું હોઈ પરિવાર ટેક્સીની રાહ જોતું હતું ત્યારે નબેલો બનાવ.
- ગાંધીનગર ઉવારસદ ટી.પી. 9 સ્વસ્તિક – 42માં બનેલો ગમખ્વાર બનાવ.
ગાંધીનગર. મામાના લગ્ન હોવાથી કેનેડાથી માતા – પિતા સાથે આવેલાં 4 વર્ષિય ભાણીયાને કારે ચગદી નાંખતાં મોત નિપજ્યું હતું. ભાણેજના મૃત્યુને પગલે લગ્ન પ્રસંગની તૈયારીઓ કરતાં પરિવારમાં શોકનુ વાતાવરણ છવાઈ ગયું હતું. ગફલતભરી રીતે કાર હંકારનાર શખ્સ સામે ગુનો નોંધી અડાલજ પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
નાનાં બાળક પર ધ્યાન રાખવું કેટલું જરૂરી છે? એ બાબતે માતા – પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ગાંધીનગરમાં રવિવારે બનવા પામ્યો હતો. કેનેડાના ઓન્ટારીયો ખાતે રહેતાં ધ્વનિલ જયેશભાઈ રાવલની પત્ની પૂજાના ભાઈના તા. 13 ડિસેમ્બરના રોજ લગ્ન યોજાયા હતાં. છેલ્લાં એક માસથી પૂજા રાવલ અને તેમનો 4 વર્ષિય દિકરો વિવાન ગાંધીનગર ખાતે ઉવારસદ ટીપી. 9, સ્વસ્તિક-42માં આવ્યા હતાં.
રવિવારે ધ્વનિલ રાવલ પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગાંધીનગર આવી પહોંચ્યા હતાં. લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવા માટે જવાનું હોઈ ધ્વનિલ રાવલે બપોરે ઉબેર કાર બોલાવી હતી. તેઓ સોસાયટીના કમ્પાઉન્ડ પાસે કારની રાહ જોઈ રહ્યા હતાં. તે વખતે સોસાયટીમાં બી-602ના રહેવાસી જયરામ ભવાનભાઈ વામજા પોતાની આઈ-10 કાર લઈને સોસાયટીમાં પ્રવેશ્યા હતાં.
ધ્વનિલનું ધ્યાન કાર તરફ હતું તે દરમિયાન વિવાન દોડતો કમ્પાઉન્ડ પાસે આવી પહોંચ્યો હતો. સોસાયટીના કમ્પાઉન્ડમાં ટર્ન મારતી વખતે કારચાલક જયરામનું ધ્યાન ના હોઈ વિવાન કાર તળે આવી ગયો હતો. બનાવને પગલે ઇજાગ્રસ્ત વિવાનને ધ્વનિલ તાત્કાલિક આશકા હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, ત્યાં સારવાર દરમિયાન વિવાનનું મોત નિપજ્યું હતું.
લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત પરિવારમાં બનાવને પગલે શોકની લાગણી છવાઈ જવા પામી હતી. અડાલજ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી જયરામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગતો જાણવા મળે છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg