- ભાનુશ્રી રિયાલિટી ગૃપના બિલ્ડર મૃગેશ ઝાલાવાડીયાને રૂ. 1,17,000 નો દંડ.
- ફ્લેટની સમસ્યાઓ દૂર કરવા રજૂઆત કરવા ગયેલા ગૌરવ દેસાઈને બિલ્ડર મૃગેશે અંગૂઠો બતાવ્યો.
Gandhinagar. ગાંધીનગરના સરગાસણમાં ફ્લેટ ખરીદનાર યુવકને RERAના નિયમો અનુસારની સુવિધાઓ પુરી પાડવામાં આવી નહોતી. ફ્લેટને લગતી સમસ્યાઓ દૂર કરવા રજૂઆત કરનાર યુવકને બિલ્ડરે અંગૂઠો બતાવી થાય તે કરી લેવાનો સૂચક ઇશારો કર્યો હતો. જેને પગલે YouTube પર વિડીયો જોઈને કાનૂની જંગમાં માહિર થયા બાદ યુવકે માથાભારે બિલ્ડર સામે RERA કોર્ટમાં કેસ કર્યો હતો. લગભગ દોઢ વર્ષની કાનૂની લડત બાદ આખરે RERA કોર્ટે બિલ્ડરને 1,17,000 રૂપિયાનો દંડ ફટકારતાં યુવકનો આખરે વિજય થયો હતો.
ભાનુશ્રી રિયાલિટી ગૃપ દ્વારા સરગાસણમાં રેસિડેન્શિયલ ફ્લેટની સ્કીમ તૈયાર કરવામાં આવી હતી. બાયો મેડિકલ એન્જિનિયર ગૌરવ જગદીશભાઈ દેસાઈએ વર્ષ 2019માં 3BHKનો ફ્લેટ ખરીદ્યો હતો. જૂન – 2019માં તેણે બિલ્ડર મૃગેશ ઝાલાવાડીયાને પુરું પેમેન્ટ ચુકવી દીધું હતું. જોકે, ફ્લેટમાં ખરાબ ક્વૉલિટીના માર્બલ લગાડવામાં આવ્યા હતાં. તેમજ ગેસ લાઈન, ઇન્ટર કૉમ, એલોટેડ પાર્કિંગ વગેરે સુવિધાઓ બિલ્ડર દ્વારા પુરી પાડવામાં આવી નહોતી. ફ્લેટમાં પ્લાસ્ટર પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ના હોવાથી ભેજ આવતો હતો. આ બધી સમસ્યાઓ હોવા છતાં બિલ્ડર મૃગેશ દ્વારા નવેમ્બર – 2019માં પઝેશન આપી દેવાયું હતું.
RERAના નિયમ મુજબ અગાઉથી જણાવ્યા મુજબની સુવિધાઓ પુરી પાડવામાં આવી ના હોવાથી ગૌરવે બિલ્ડર મૃગેશને અનેકવાર રજૂઆત કરી હતી. જોકે, બિલ્ડર સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવતો નહોતો. એક તબક્કે ગૌરવે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના જવાબમાં બિલ્ડર મૃગેશે અંગૂઠો બતાવીને, થાય તે કરી લેવાની ચેલેન્જ આપી હતી.
માથાભારે બિલ્ડરની સામે કાનૂની જંગ લડવા માટે ગૌરવે સૌ પ્રથમ તો RERAની વેબસાઈટ અને યુટ્યૂબનો સહારો લીધો હતો. દેશભરમાં ફ્લેટધારકોએ પડેલી અગવડ અંગે રેરામાં કરેલી ફરિયાદ અંગેના વિડીયો જોયા હતાં. વિડીયો જોઈને જાતે જ ફોર્મેટ તૈયાર કરી 11 માર્ચ 2020ના રોજ RERAમાં મલ્ટીપલ ડેફિસિયન્સી (ઉણપોવાળું) અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. કોરોના મહામારીને કારણે હિયરીંગ શક્ય ના બન્યું અને ગત તા. 13 જુલાઈ 2020ના રોજ પહેલું હિયરીંગ થઈ શક્યું હતું.
પહેલી હિયરીંગમાં ગૌરવને બિલ્ડર વિરુદ્ધ વધું દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો આદેશ થતાં, તેણે પુરાવા શોધવા માટે ઇન્ટરનેટ પર ખાંખાખોળા કર્યા હતાં. ત્યારબાદ અમદાવાદની ખાનગી એજન્સી પાસે મિલ્કતનો સર્વે કરાવ્યો હતો. સર્વે રિપોર્ટ મેળવીને જે જે સમારકામ કરાવ્યું તેનાં કારીગરો પાસેથી પણ દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા હતાં. તમામ દસ્તાવેજી પુરાવાઓ જમા કરાવ્યા બાદ 10 જેટલી મુદ્દત સુધી બિલ્ડર મૃગેશે કોઈ જાતનો વળતો જવાબ આપવાની તસ્દી લેવાઈ નહોતી. 16 મુદ્દત સુધી બિલ્ડર તરફથી કોઈ RERA કોર્ટમાં હાજર પણ થયું નહોતું.
આખરે 1 વર્ષ 7 મહિના અને 10 દિવસનો જંગ લડ્યા બાદ RERA ઓથોરિટીએ ભાનુશ્રી રિયાલિટીનાં મૃગેશ ઝાલાવાડીયાને કલમ 14(3) રિયલ એસ્ટેટ અધિનિયમ, 2016ની જોગવાઈઓ અંતર્ગત ગૌરવ દેસાઈને વળતર પેટે રૂ.93 હજાર તેમજ ફરિયાદની તારીખથી વસુલાતની તારીખ સુધી 7 ટકા વત્તા 2 ટકા (MCLR) નાં દરે વ્યાજ ચુકવવાનો અને માનસિક વેદના અને હાલની કાર્યવાહીના અન્ય ખર્ચ પેટે રૂ. 11 હજાર ચુકવવાનો આદેશ કર્યો હતો. અને આખરે, બિલ્ડરે ગૌરવને રૂ. 1,17,760નો ચેક આપવાની ફરજ પડી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સોશિયલ મિડીયા પર જાણકારી પ્રાપ્ત કરનાર ગૌરવ દેસાઈ બિલ્ડર સામેનો કાનૂની જંગ જાતે જ લડ્યો હતો.
News source – www.divyabhaskar.co.in
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.