• તેજસના આડાસંબંધની જાણ થઈ જતાં શોભના સાથે કંકાશ થતો હોવાથી હત્યાકાંડ ખેલાયો.
  • ‘રેટ કિલર’, ‘જહર કોન કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ’, ‘હાઉ ટુ ગીવ ડેથ’, ‘રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન’, ‘પોઈઝન, ધ રેટ કિલર પોઈઝન’, ‘હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો’ વગેરે સર્ચ કરીને હત્યાનો પ્લાન બનાવ્યો.
  • ગરબા રમીને ઘરે આવેલી પત્ની અને બાળકીને ખાવામાં ઉંદર મારવાની દવા ખવડાવી દીધી.

FunRang. ગત તા. 10 ઓક્ટોબરના રોજ વડોદરાના ન્યૂ સમા રોડ પરની ચંદનપાર્ક સોસાયટીમાં ભેદી સંજોગોમાં માતા – પુત્રીનાં મૃત્યુ પ્રકરણમાં, પતિએ જ હત્યાકાંડ ખેલ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આડાસંબંધની જાણ થઈ જવાથી પત્ની સાથે થતાં ગૃહકંકાશમાં પતિ તેજસ પટેલે પત્ની અને 6 વર્ષની માસૂમ બાળકીને મોતની નિંદરમાં પોઢાવી દીધા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, હત્યારા પતિએ સમગ્ર ઘટનાને આપઘાતમાં ખપાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેના મોબાઈલના ગુગલ (Google) – યૂટ્યુબ (YouTube)ની સર્ચ હિસ્ટ્રી તપાસતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. અને કડકાઈથી પૂછપરછ કરતાં તેજસે બેવડા હત્યાકાંડની કબૂલાત કરી લીધી હતી.

(પત્ની અને માસૂમ પુત્રીને મોતને ઘાટ ઉતારનાર તેજસ પટેલ)

ન્યૂ સમા રોડ સ્થિત ચંદનપાર્ક સોસાયટીમાં ગત તા. 10 ઓક્ટોબરના રોજ ગરબા રમીને રાત્રે 11 વાગ્યે ઘરે પરત આવેલી માતા શોભનાબહેન અને 6 વર્ષિય પુત્રી કાવ્યાનું ભેદી સંજોગોમાં મોત નિપજ્યું હતું. પ્રાથમિક ધોરણે આપઘાતનો બનાવ જણાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ, ઘટના આપઘાતની નહીં પરંતુ હત્યાની હોવાની શંકાઓ મૃતકના ભાઈ સહિતના પરિવારજનો દ્વારા વ્યક્ત કરાઈ હતી. તેમજ સોસાયટીમાં ઉંદર નહીં હોવા છતાં ઉંદર મારવાની દવા શા માટે શોભનાના ઘરમાંથી શા માટે મળી? ખુશ મીજાજીથી ગરબા રમીને ઘરે ગયેલી માતા – પુત્રી શા માટે આપઘાત કરે? શોભનાબહેને આપઘાત કર્યો હોય, તો ગળાં પર ઉઝરડાં કેવી રીતે પડે? તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા હતાં. જેને પગલે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.

શોભનાબહેનના પિયરમાં ઘરજમાઈ તરીકે રહેતો અને ગેંડા સર્કલ પાસેના મોલની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતો તેજસ અંતરસિંહ પટેલે કોઈ ભેદી ચાલ ચાલીને પત્ની – પુત્રીનું કાસળ કાઢ્યું હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે તેજસના મોબાઈલમાં ગુગલ અને યૂટ્યૂબની સર્ચ હિસ્ટ્રી ચેક કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

તેજસે છેલ્લાં એક મહિનામાં ગુગલ અને યૂટ્યૂબ પર ‘રેટ કિલર’, ‘જહર કોન કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ’, ‘હાઉ ટુ ગીવ ડેથ’, ‘રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન’, ‘પોઈઝન, ધ રેટ કિલર પોઈઝન’, ‘હાઉ ટુ કિલ અ મેન વિથ પીલો’ વગેરે સર્ચ કર્યું હતું. એકંદરે, તે છેલ્લાં એકાદ મહિનાથી હત્યા કરવાનો વિચાર કરી રહ્યો હોવાનું કહી શકાય. સર્ચ હિસ્ટ્રી બાદ પોલીસે કડકાઈથી પુછતાં તેજસે હત્યાકાંડનો સ્વિકાર કર્યો હતો.

ઘરજમાઈ તરીકે રહેતાં તેજસના ગોધરાના એરંડીગામ ખાતે રહેતા માતા, બહેન અને નાનાભાઈ સાથે શોભના અવારનવાર ઝગડા કરતી હતી. તેમજ તેજસના એક યુવતી સાથે આડાસંબંધ હોવાનાં મામલે પણ દંપત્તિ વચ્ચે ઝગડા થતાં હતાં. જેમાં તેજસનો અહંમ ઘવાતો હતો. અને એણે પત્ની અને પુત્રીની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યુ હતું.

તેજસે ઘડેલા પ્લાન અનુસાર ગત તા. 10 ઓક્ટોબરની રાત્રે શોભના અને કાવ્યા ગરબા રમીને રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘરે પહોચ્યા હતાં. ત્યારે તેજસે બંનેને ઉંદર મારવાની દવા ભેળવેલો આઈસ્ક્રિમ ખવડાવવા ઉપરાંત ઝેરીદવાવાળું પાણી પીવડાવ્યું હતું. થોડીવાર બાદ શોભનાના મોંમાથી ડચકાનો અવાજ આવતાં તેજસે તેનું ગળું દબાવી દીધું હતું. તેમજ દિકરી કાવ્યાના મોં ઓસીકાથી દબાવીને તેના શ્વાસ બંધ કરી દીધા હતાં.

પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ લગભગ રાત્રે બે વાગ્યાના અરસામાં તેણે સાળાને ફોન કર્યો હતો. અને પોતે કુદરતી હાજત માટે ઉભો થયો ત્યારે શોભના અને કાવ્યાની હાલત જોઈને ફોન કર્યો હોવાનું કહ્યું હતું. બાદમાં માતા – પુત્રીને હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતાં.

એકંદરે, પત્ની અને પુત્રીની હત્યાને આપઘાતમાં ખપાવવાનો નરાધમ પતિનો કારસો પોલીસે ખુલ્લો પાડી દીધો છે. તેજસ પટેલ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#Funrangnews #Vadodara #VadodaraPolice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *