- કાળી ચૌદશે સ્મશાનમાં મસાણ મેલડી માતા અને કાલભૈરવની દર્શન પૂજા કરનાર શ્રદ્ધાળુઓ કારેલીબાગ પોલીસને પહેલીવાર આંખમાં ખૂંચ્યા.
- રાજકારણીઓને ઝુકી ઝુકીને સલામ ઠોકતી પોલીસની છાતી પ્રજાજનો સામે જ છપ્પનની થાય છે.
Funrang. કાળી ચૌદશની રાત્રે ખાસવાડી સ્મશાનમાં સેંકડો શ્રદ્ધાળુઓ મસાણ મેલડી માતા અને કાલ ભૈરવની પૂજા – દર્શન કરવા માટે એકઠા થતાં હોય છે. ગઈકાલે કારેલીબાગ પોલીસને સ્મશાનમાં એકઠાં થયેલાં શ્રદ્ધાળુઓ આંખમાં કણાની માફક ખૂચ્યાં અને લગભગ એક વાગ્યાના સુમારે ખાખીના ટોળાંએ સ્મશાનનો ઘેરો ઘાલ્યો હતો. તેમજ શ્રદ્ધાળુઓને દંડા મારી મારીને બહાર કાઢ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપાની સરકારમાં હિન્દુ શ્રદ્ધાળુઓની લાગણીની પોલીસ દ્વારા કદર કરવામાં આવતી નથી. તે ખૂબ દુઃખદ બાબત હોવાનું કેટલાંક શ્રદ્ધાળુઓનું માનવું છે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર, કાળી ચૌદશની રાત્રે કાલ ભૈરવની પૂજા – દર્શનનો અનન્ય મહિમા છે. પરંપરા અનુસાર અનેક શ્રદ્ધાળુઓ સ્મશાનમાં જઈને પૂજા – દર્શન કરતાં હોય છે. આવી જ પરંપરા અનુસાર, કારેલીબાગ વિસ્તારના ખાસવાડી સ્મશાનમાં પ્રતિ વર્ષ શ્રદ્ધાળુઓ રાત્રે આવતાં હોય છે. ત્યાં સ્થિત મસાણ મેલડી માતા અને કાલ ભૈરવની પૂજા – દર્શન કરતાં હોય છે.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે તા. 3 નવેમ્બરને બુધવારના રોજ પરંપરા અનુસાર, શ્રદ્ધાળુઓ સ્મશાનમાં પૂજા – દર્શન કરી રહ્યાં હતાં. કારેલીબાગ પોલીસનાં ખાખીધારીઓને આ નડ્યું હતું. જાણે સ્મશાનમાં મોટા ગુનેગારો એકઠાં થયાં હોય અને કાલ ભૈરવની પૂજા કરનારાઓને કાળા પાણીની સજા કરવાની હોય એવાં ખાખી પહેરી હોવાના રોફ સાથે પોલીસ કર્મીઓનાં ટોળાંએ સ્મશાનને ઘેરી લીધું હતું. જેને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
સ્મશાનના મુખ્ય દરવાજાને બંધ કરી, ખાખીધારણ કરી હોવાથી છાતી છપ્પનની થઈ હોવાનો વ્હેમ ધરાવતાં પોલીસ કર્મીઓએ શ્રદ્ધાળુઓને એક પછી એક દંડા મારીને ફરજ બજાવ્યાનો ખોંખારો ખાધો હતો.
ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓના મત અનુસાર, ભાજપના રાજમાં હિન્દુઓના તહેવારો – પ્રસંગોમાં જ પોલીસને નડતર દેખાતાં હોય છે. કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં જ ઘણાં દૂષણો ધમધમે છે પરંતુ હપ્તાખોર પોલીસ કર્મીઓને બૂટલેગરો નજરે નથી પડતાં. મોડી રાત સુધી ધમધમતાં ખાણી – પીણીના ધંધાવાળા નથી દેખાતા. પણ, વર્ષમાં એક વાર સ્મશાનમાં આવતાં શ્રદ્ધાળુઓ પર જોર અજમાવવાનું ફાવે છે. એ ખુબ જ દુઃખદ અને નિંદનિય બાબત છે.
ખાસ તો, પ્રજાજનો પર તો ઠીક, ગુનેગારોને પણ મારવાનો પોલીસને હક્ક નથી. છતાં કારેલીબાગ પોલીસના કર્મચારીઓ કયા વિશેષ અધિકાર ધરાવે છે કે તેઓ સેંકડો લોકોને દંડા ફટકારે? એવો પણ સવાલ અત્રે ઉભો થાય છે.
એકંદરે, કાળી ચૌદશની રાત્રે કારેલીબાગ પોલીસે ખાસવાડી સ્મશાનમાં “કાળી” કામગીરી કરી, એમ કહેવું ખોટું નહીં લેખાય.
#funrang #Vadodara #Police