• પલ્મોનોલોજીસ્ટ ડૉ. સોનિયા દલાલે સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટને પાઠ ભણાવવા સ્વર ગ્રીવન્સ સેલ રચ્યું.
  • ડૉ. દલાલની લડતમાં અત્યાર સુધીમાં 38 જેટલાં હોસ્પિટલ મેનેજમેન્ટ પીડીતો જોડાયા છે.

Funrang. ઉંચી વગ ધરાવતા સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કોરોના મહામારીની આફતને અવસરમાં ફેરવી દેવાયો હતો અને દર્દીઓના ખિસ્સા પર રીતસરની તરાપ મારવામાં આવી હતી. યેનકેન પ્રકારે દર્દીઓને લૂંટનાર સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટે તબીબને પણ ધૂતી લેવામાં આવ્યા હોવાનો વિવાદ સર્જાયો છે. દર્દીઓને સાજા કરવામાં મેલી મુરાદ રાખી તાજ્જા માજ્જા થયેલાં હોસ્પિટલ મેનેજમેન્ટ સામે પડેલાં પલ્મોનોલોજીસ્ટ ડૉ. સોનિયા દલાલે સ્વર ગ્રીવન્સ સેલની રચના કરી છે. અને જેમને લાગતું હોય કે, સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા એમના ખિસ્સા પર આડેધડ ચીરા મારવામાં આવ્યા છે, મેનેજમેન્ટ દ્વારા એમને લૂંટવામાં આવ્યા છે. એ પ્રજાજનો મોબાઈલ નંબર 6351438201 પર કોલ કરવા જણાવાયું છે.

કોરોના કાળમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2865 જેટલાં દર્દીની સારવાર કરનાર પલ્મોનોલોજીસ્ટ ડૉ. સોનિયા દલાલ સાથે મેનેજમેન્ટ દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ડૉ. દલાલે તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં લોકોએ પોતાના ઘર અને દાગીના વેચીને સારવાર કરાવી હતી. સામાન્ય માણસોને હોસ્પિટલ લૂંટે એ દુઃખની બાબત છે. આ સ્થિતિમાં તબીબો પર કલંક ન લાગે અને હોસ્પિટલ મેનેજમેન્ટ પાસેથી દર્દીઓને પોતાના પૈસા પાછા મળી રહે તે માટે હું લડત ચલાવી રહી છું. આ મારી ફરજ છે.

તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે, દૂધે ધોયેલા હોય તો હિસાબના ચોપડા લઈને જાહેર મંચ પર ચર્ચા કરવા બેસે. જે દર્દીઓ પાસેથી હોસ્પિટલ દ્વારા વધુ રૂપિયા લેવાયા છે. એ તમામ રૂપિયા હું દર્દીઓને કે તેમના સ્વજનોને પાછા આપાવીને જ ઝંપીશ.

ડૉ. દલાલ દ્વારા હોસ્પિટલ મેનેજમેન્ટ સામે છેડવામાં આવેલા જંગમાં અત્યાર સુધીમાં 38 જેટલાં લોકો જોડાયા છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા લૂંટવામાં આવેલા વધુમાં વધુ લોકોને એકઠા કરવા માટે ડૉ. દલાલે સ્વર ગ્રીવન્સ સેલની રચના કરી છે.

#funrang #Pulmonologist #SterlingHospital #Vadodara News #Dr.SoniaDalal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *