- રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું નામ લીધા બાદ ભુલ સુધારી.
- પાટણમાં નિરામય ગુજરાત અભિયાન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતાં.
Rajkot. રાજકોટ ભાજપમાં આંતરીક વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની જીભ પર હજી સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નામ ચડ્યું નથી. છ દિવસમાં બેવાર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ બોલીને સહકાર મંત્રીએ જાહેર કાર્યક્રમમાં ભાંગરો વાટ્યો છે.
તાજેતરમાં રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને નજીક બોલાવી આમંત્રણ પત્રિકામાં થયેલાં છબરડાં અંગે તતડાવ્યા હતાં. તે સમયે સાંસદ રામ મોકરિયાએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રૂપાણીએ મોકરિયાને પરખાવી દીધું હતું કે, બેસી જાવ તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો.
છ દિવસ અગાઉ પાટણ ખાતે જન આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી બીન ચેપી રોગો માટે સ્કિનીંગથી માંડી સારવાર સુધીના મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલા મેગા કેમ્પ કાર્યક્રમમાં વક્તવ્ય આપતી વખતે મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ બોલી દીધું હતું. તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે એ વાત ભુલી ગયા હતાં.
આજરોજ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ફરી ભાંગરો વાટ્યો હતો. વક્તવ્ય દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના બદલે મંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નામોલ્લેખ કર્યો હતો. મંત્રીની જીભ લપસતાં સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો સહિતના કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતાં. જોકે, તુરંત જ મંત્રીને ભુલ થઈ હોવાનું ધ્યાને આવતાં તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ઉલ્લેખ કરીને વાત વાળી દીધી હતી.
#funrang #Rajkot #gujaratnews #rajkotnews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.