- રૉટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા દેશની 18મી અને રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક તૈયાર કરાઈ.
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના હસ્તે બેન્ક ખુલ્લી મુકાઈ
Funrang. આજરોજ દેશની 18મી અને રાજ્યની સૌ પ્રથમ સ્કિન બેન્કનો રાજકોટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રૉટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા તૈયાર કરાયેલી સ્કિન બેન્કનું સંચાલન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરાશે. આજરોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના હસ્તે બેન્ક ખુલ્લી મુકવામાં આવી હતી.
સ્કિન બેન્કના ડૉ. કેતન બાવીશીના જણાવ્યા પ્રમાણે, મૃત્યુ પામેલ વ્યક્તિનાં શરીર પરથી સ્કિન (ચામડી) કાઢીને તેને વિવિધ પ્રોસેસ બાદ બેન્કમાં સ્ટોર કરાશે. દાઝી ગયેલા દર્દીઓને પાટાપીંડી ના કરવી પડે અને એન્ટિબાયોટિક દવાઓનો ખર્ચ ના કરવો પડે તે માટે બેન્કમાં સ્ટોર કરાયેલી સ્કિનનો ઉપયોગ કરાશે. દાઝી ગયેલા દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળશે. દાઝેલાં દર્દીઓને ડ્રેસિંગના રૂપમાં આ સ્કિન લગાડવામાં આવશે. દર્દીની નવી ચામડી આવે ત્યારબાદ આ સ્કિન નિકળવા લાગે છે. ડાયાબિટીસને કારણે ગેંગરીન થયું હોય તેવા દર્દીઓ માટે પણ સ્કિન ગ્રાફ્ટિંગ આર્શિવાદરૂપ સાબિત થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યક્તિના મૃત્યુ બાદ 5 થી 6 કલાકના સમયગાળામાં શરીર પરથી ચામડી લઈ શકાય છે. મૃતકના સ્વજન 9090905556 નંબર પર કોલ કરી બેન્કને જાણ કરી શકે છે. ડૉક્ટર્સ અને મેડિકલ ટીમ મૃતકના ઘરે જઈ શરીર પરથી સ્કિન લેશે. ત્યારબાદ સ્કિનની તપાસ કરવા માટે 4 ડિગ્રી તાપમાનમાં 48 કલાક સુધી ક્વૉરેન્ટાઈન કરાશે. અને ત્યારબાદ માઈનસ 80 ડિગ્રી તાપમાન ધરાવતાં ફ્રીજમાં સ્કિનને સ્ટોર કરાશે.
ડૉ. બાવીશીના કહ્યા અનુસાર, મૃતદેહના હાથ – પગ અને પીઠ જેવા શરીરના મોટા ભાગથી સ્કિન લેવામાં આવશે. સ્કિન ડૉનેશન અનેક દર્દીઓ માટે ફાયદાકારક નિવડે છે.
#funrang #Rajkot #SkinBank #RotaryClub #Greater