- સાગના લાકડાનું ફર્નિચર બનાવવા એડવાન્સ પેટે 4 લાખ લીધા બાદ મિસ્ત્રીએ પ્લાયનું ફર્નિચર બનાવી દીધું.
FunRang. વડોદરાના ભાજપી કાઉન્સિલરને અમદાવાદના મિસ્ત્રીએ 4 લાખનો ચૂનો ચોપડ્યો હોવાન મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. પલંગ, સોફા સહિતનું ફર્નિચર સાગના લાકડામાંથી બનાવવાનું જણાવી એડવાન્સ પેટે 4 લાખ રૂપિયા લીધા બાદ પ્લાયમાંથી ફર્નિચર બનાવીને પધરાવી દેનાર મિસ્ત્રીએ નાણાં પરત કરવામાં ગલ્લા તલ્લા કરતાં છંછેડાયેલા પરાક્રમસિંહે આખરે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભાજપી કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ સમા – સાવલી રોડના મહારાણા પ્રતાપ માર્ગ સોમનાથ વિલા બંગલાનું નિર્માણ કરાવ્યું છે. ગત વર્ષે બંગલાનું બાંધકામ પુરું થયા બાદ ફર્નિચર બનાવવાનું કામ તેમણે પલંગ, સોફા વગેરે ફર્નિચર બનાવવા માટે અમદાવાદના સત્યનારાયણ એસ્ટેટના મિસ્ત્રી લક્ષ્મણભાઈ સુથારનો સંપર્ક કર્યો હતો.
લક્ષ્મણભાઈ સુથારે બતાવેલા સાગના લાકડાના ફર્નિચરના સેમ્પલ પસંદ પડ્યા બાદ પરાક્રમસિંહે ફર્નિચર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. કુલ 7 લાખના ખર્ચ સામે 4 લાખ એડવાન્સ પેટે ચૂકવ્યા હતાં. ત્યારબાદ સૌથી પહેલાં લક્ષ્મણભાઈએ પલંગ બનાવીને મોકલ્યો હતો. જોકે, તે પલંગ સાગના લાકડાનો નહીં પરંતુ પ્લાયનો બનાવવામાં આવ્યો હોવાનું જણાતાં, પરાક્રમસિંહે લક્ષ્ણણને બોલાવીને પલંગ બતાવ્યો હતો. તે વખતે ભૂલ સ્વિકારી લક્ષ્મણે પલંગ પરત લઈ જવા ઉપરાંત એડવાન્સ પેટે લીધેલા નાણાં 15 દિવસમાં પરત કરી દેવાનો વાયદો કર્યો હતો.
15 દિવસ વિત્યા બાદ લક્ષ્મણે નાણાં ચૂકવવામાં ગલ્લા તલ્લા કર્યા હતાં. જેને પગલે આખરે રોષે ભરાયેલા ભાજપી કાઉન્સિલરે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#Funrangnews #VadodraBJP #councilor #parakramsinh