• દાયકાઓથી થોડો વધારે વરસાદ પડે એટલે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલમપોલ અંગે મિડીયા બૂમરાણ મચાવે છે, છતાં પરિણામ શું?
  • વર્ષોથી અધિકારીઓ અમારું સાંભળતાં નથી કહીને હાથ ખંખેરી લેતાં પ્રજાના મતથી ચૂંટાયેલાં પ્રતિનિધીઓને નાના મગરો ગણી શકાય.

FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

દોઢડાહી ખિસકોલી દરિયાનું પાણી વરાળ બનીને આકાશમાં જાય અને પછી ધરતી પર વરસી પડે. આ એક કુદરતી ચક્ર છે, એવું જ એક ચક્ર લગભગ અનેક દાયકાઓથી ચોમાસા ટાણે વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના બને ત્યારે સમાચાર માધ્યમો (મિડીયા)માં જોવા મળે છે. તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરાં ઉડ્યા… પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં… આવાં હેડિંગ સાથેના સમાચારોની બૂમાબૂમ થાય છે. ત્યારે, એક રીતે તો એવું લાગે કે, આ સમાચાર માધ્યમો બોખા વાઘ જેવા છે… જે અસર ગુમાવી ચૂક્યા છે, આ બોખા વાઘ ત્રાડ પાડવાનો પ્રયાસ કરે છે ત્યારે ગલુડિયાના ભસવાનો અવાજ આવતો હોય છે. અને કદાચ આ બોખા વાઘ કોઈને બચકું ભરે તો એને ગલગલીયા થાય છે.

વર્ષોથી રાજકારણમાં પેંધા પડી ગયેલા મગરમચ્છો એવી લીલા કરે છે કે, ઘેંટાઓ ઉંધુ ઘાલીને એમને સમર્થન કરે છે, શાણા શિયાળો ભાગબટાઈનો ખેલ ખેલે છે અને મોટાભાગના બોખા વાઘોને પુંછડી પટપટાવવી પડે છે. કેટલાંક શિયાળો પણ છે જે વાઘનો ફેન્સી ડ્રેસ પહેરીને મગરમચ્છોના દરબારમાં મુજરો પણ કરે છે. હવે આ બધી જ વાતો દેશ આઝાદ થયો ત્યારથી આજદીન સુધી એક સમાન જ રહી છે. અને છતાં આ બાબતમાં રતિભાર બદલાવ આવ્યો નથી. અને કદાચ ભગવાન કલ્કી અવતાર લઈને કલીનો ખાત્મો કરી નાંખશે ત્યાર પછી પણ આવવાનો નથી.

યેન-કેન પ્રકારે ઘેંટાઓનો વિશ્વાસ જીતી સત્તા મેળવનારા મગરમચ્છોની મનોદશામાં સ્હેજેય ફેર નહીં પડે. મોટા મગરો એમની મરજીના વરુઓ (સરકારી અધિકારીઓ ગણી શકાય)ને પોતાની મરજી મુજબ કામ કરાવતાં જ રહેશે. અને નાના મગરો પોતાનો ભાગ મારી લીધા પછી જ્યારે ઘેંટાઓ ઉહાપોહ મચાવશે ત્યારે અધિકારીઓ અમારી વાત માનતાં જ નથી એવો બળાપો કાઢીને આર.ઓ. વોટરના શુદ્ધ આંસુઓ પાડતાં જ રહેવાનાં…

આવી પરિસ્થિતિમાં સામાન્ય વૈચારિક (પોતાને ચતુર સમજતાં) ઘેટાંને હંમેશા એવો ભ્રમ હોય છે કે, કંઈક તો સારું થશે જ. અને આજના જમાનામાં તો સોશિયલ મિડીયા પર ભડાસ કાઢવાનો મોકો ચતુર ઘેટાંઓ જવા જ નથી દેતાં. અને કોમેન્ટો અને લાઈક્સ જોઈને ખુશ થઈ આખરે વરસાદમાં ભજીયા ખાઈને મોજ કરી લેતાં હોય છે.

ભારત દેશ આઝાદ થયો ત્યારથી ચાલતી આવતી ભ્રષ્ટાચાર – ગેરરીતિ – છેતરપિંડીની પરંપરા ક્યારેય તૂટવાની નથી. એવી પૂરી ખાતરી સાથે આ દોઢડાહી ખિસકોલીની સૌ ચતુર ઘેંટાઓને અપીલ છે કે, બળાપો કાઢવાનું બંધ કરી દો. ચૂંટણી ટાણે તમારાથી કંઈ થતું નથી, ચૂંટણી પછી પણ તમારાથી કંઈ થવાનું નથી.

ભ્રષ્ટાચારી વરુઓ પાસે અંતરાત્મા હોય એવી કોઈ આશા કે અપેક્ષા નથી છતાં આ દોઢડાહી ખિસકોલીની અપીલ છે કે, ચોમાસામાં દર વર્ષે અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડે, પાણી ભરાય એવી વ્યવસ્થા કરો, પ્રિ-મોન્સૂન સહિતની કામગીરીમાં નવીનતા લાવો જેથી સમાચાર માધ્યમોના સમાચારોમાં નવીનતા જોવા મળે.

અને છેલ્લે… સૌથી પહેલાં જવાબદાર નાના – મોટા મગરમચ્છો, એમની પાસેથી અપેક્ષા રાખવી એટલે વડોદરાને શાંઘાઈ બનતું જોવાની ભૂલ કરવી, હરણી બોટકાંડ – રાજકોટ ઝોનકાંડ વગેરે ઘટનાઓમાં સંવેદનાના આંસુ જોવાની ઠગારી આશા રાખવી અને ભ્રષ્ટાચારમુક્ત ભારત હોવાનો વ્હેમ રાખવો એવું છે. જાડી ચામડીના મગરમચ્છો વિશે કંઈ પણ કહીએ તો એમને ક્યાંતો કોઈ અસર થવાની નથી, અને જો કદાચ એને અસર થાય તો એ કિડીનેય છોડે એવાં નથી. માટે એમની પાસેથી આ દોઢડાહી ખિસકોલીને કોઈ જ અપેક્ષા નથી.

બાકી રહ્યા બોખા વાઘ… એમને શું કહેવું… દોઢડાહી ખિસકોલી પણ એ પ્રજાતિના ટોળામાં જ કુદાકુદ કરી રહી છે. એમનાં કરતબો જોઈને ખુશ થઈ રહી છે. બીજું કરવા જેવુંય શું છે?

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *