વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ તંત્રનો આભાર વ્યક્ત કરતો ખુલ્લો પત્ર.
Mehulkumar Vyas. હું વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ તંત્રનો હૃદય પૂર્વક આભાર માનું છું. કારણકે, સ્માર્ટ તંત્ર દ્વારા મને કોવિડની વેક્સિન લીધા વગર જ બીજા ડોઝનું સર્ટીફિકેટ પ્રાપ્ત કરવામાં મદદગારી કરવામાં આવી છે. વડોદરાના સ્માર્ટ તંત્ર દ્વારા ખાડાવાળા રસ્તાઓ, ગટર, ગંદાપાણી વગેરેની પ્રાથમિક સમસ્યાઓ પૂરી પાડવામાં આવતી નથી તેની સામે મને જરૂર ગુસ્સો આવતો હોય છે, પરંતુ વેક્સિનેશનની બાહોશ કામગીરી – પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય તેવી કામગીરીમાં તંત્ર દ્વારા જે સ્માર્ટગિરીનો ઉપયોગ કરાયો છે એના મારે મોં ખુલ્લું રાખીને વખાણ કરવા પડે તેમ છે.
વડોદરા મહાનગર પાલિકાએ મારા પર કરેલાં ઉપકારની તબક્કાવાર વિગતો એવી છે કે, ગત તા. 11 જુલાઈના રોજ સંસ્થા વસાહત ખાતે વેક્સિનેશન કેમ્પમાં હાજર મિત્રને મળવા ગયો અને મેં વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો. આમ તો, મારે રસી લેવાની ખાસ ઇચ્છા નહોતી, પરંતુ કેમ્પનું આયોજન કરનાર મિત્રો અને મેડિકલ વિષય સાથે સંકળાયેલા હરી ઓમ્ લેબોરેટરીના સંચાલક મિત્ર મુકેશ નાયકના આગ્રહવશ આધારકાર્ડનો નંબર લખાવીને રજીસ્ટ્રેશન કરાવી રસી લઈ લીધી. રસીની કોઈ જ આડઅસર મને થઈ નહોતી.
જાણ ખાતર કહી દઉં કે, કોરોના કાળમાં રિપોર્ટિંગ કરવા માટે સયાજી હોસ્પિટલ સહિતના કોવિડ સેન્ટરમાં જવાનું થવા છતાં હું કોરોનાની ઝપટમાં આવ્યો નહોતો એટલે મને એવો વિશ્વાસ થઈ ગયો હતો કે, મારી ઇમ્યુનિટી વધારે સારી છે. પણ, છતાંય વેક્સિન લઈ લેવી એ સારી બાબત છે એમ મિત્રોની વાતને પગલે રસી લઈ લીધી.
ત્રણ મહિના બાદ બીજો ડોઝ લેવા સહિતની વિગતો સહિતના મેસેજ બાદ પહેલા ડોઝનું સર્ટીફિકેટ પ્રાપ્ત થયું. ત્રણ મહિના બાદ હવે બીજો ડોઝ લેવાનો હતો. છેલ્લાં કેટલાંક દિવસોની વ્યસ્તતાને કારણે ધ્યાનમાં ના રહ્યું કે, મારે રસી લેવાની છે. પણ, મારાં જેવા વ્યસ્ત લોકોની ચિંતા કરતાં વડોદરા મહાનગર પાલિકાએ મારી કાળજી લીધી. આમ તો, સ્માર્ટ તંત્ર દ્વારા મારી લેવાયેલી કાળજીની મને પહેલાં ખબર નહોતી.
આજે રવિવાર હોવાને કારણે હું આરામથી ઉઠ્યો અને તૈયાર થઈ નવરાત્રિ નિમિત્તે માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ ઘરેથી નિકળતો હતો ત્યાં મારા મિત્ર મુકેશ નાયકનો ફોન આવ્યો… મુકેશ નાયકે 11 જુલાઈના રોજ જ પહેલો ડોઝ લીધો હતો. એણે મને ફરિયાદ કરી કે, બીજો ડોઝ લીધો ના હોવા છતાં એને સર્ટીફિકેટ મળ્યું છે. મુકેશ નાયક તંત્રની આ બેદરકારીને કારણે નારાજ હતો. નવરાત્રિ પર્વે કોર્પોરેશન દ્વારા આમ સર્ટીફિકેટ વિતરણ થાય તે ખૂબ જ ગંભીર બાબત છે એમ એનું કહેવું હતું. અને આ મામલો જાહેર થવો જોઈએ એવી એની લાગણી હતી. એક સામાન્ય પત્રકાર તરીકે મને પણ થયું કે મુકેશ નાયકની વિગતો પ્રકાશિત કરવી જોઈએ.
પણ, થોડીવાર બાદ ઓફિસે પહોંચ્યા બાદ મારા ધ્યાનમાં આવ્યું કે, સ્માર્ટ તંત્ર દ્વારા મને પણ રસી સર્ટીફિકેટ વિતરીત કરી દેવાયું છે. તમામ વિગતો ચકાસ્યા બાદ મને સ્માર્ટ તંત્રની “દીર્ઘદ્રષ્ટી”નો આછો-પાતળો ખ્યાલ આવ્યો. તંત્ર દ્વારા મારો સમય અને સરકારની રસી બચાવવાનો જે પ્રયાસ કરાયો એનો અંદાજ આવ્યો.
તમે જ કહો, ગૃહમંત્રી, મેયર, પોલીસ કમિશનર માસ્ક વગર સાઈકલ રેલી કાઢતાં હોય છે. જાહેર સભાઓમાં માસ્કની દરકાર ના લેવાતી હોય એવા સમયમાં સ્માર્ટ તંત્ર લોકોનો સમય બગાડીને શું ઉખાડી લેવાની… રાજકારણીઓની જેમ જ સોગંદ ખાઈને કહું છું, મને સ્માર્ટ તંત્રનું આ પગલું ખૂબ જ ગમ્યું.
રસી આપ્યા વિના સર્ટીફિકેટ વિતરણમાં માત્ર સ્હેજ અમથી તકલીફ મને કે મારા પરિવારને પડે એમ છે… જેમ કે, આમ તો મને કંઈ જ થવાનું નથી. પણ, છતાંય જો કોરોના થાય તો તંત્ર છપ્પનની છાતી ઠોકીને કહેશે કે, અમે તો બે રસી ઠોકી હતી. અને હું કે મારા પરિવારજનો આ બાબત સાબિત નહીં કરી શકીએ. હું કે મારો પરિવાર સોસાયટીના સીસીટીવી, મારા ઘરેથી રણમુક્તેશ્વર મહાદેવ સુધી રસ્તામાં આવતાં વિવિધ સીસીટીવી રજૂ કરીને કહીશું કે, હું આ રસ્તે આવ્યો જ નથી. તો સ્માર્ટ તંત્ર કદાચ સાબિત કરે કે હું ઉડીને પહોંચ્યો હોઈશ.
મને રસી આપનાર શાંતિબહેન મિન્ઝ કોણ છે એની ભલે મને ખબર નથી. પણ, સ્માર્ટ તંત્ર સાબિત કરી શકે કે, શાંતિબહેને મને ચા – નાસ્તો પણ કરાવ્યો હતો.
#Funrangnews #VMC #Vaccination #boguscertificate #smartsystem