- વારસીયા સ્થિત સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમ ખાતે પોલીસ વિભાગ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ.
- વૃદ્ધો સાથે ફટાકડાં ફોડ્યાં, ગીત – ભજનની રમઝટ સાથે સંગીત સંધ્યા યોજાઈ.
FunRang. વડોદરા શહેર પોલીસે એક અનોખો માનવીય અભિગમ દાખવતાં ગુરુવારે રાત્રે વારસીયા સ્થિત સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. વડોદરા પોલીસની “ખાખી@ખુશી.કોમ” ની અનોખી પહેલ અંતર્ગત પોલીસ અધિકારીઓ – કર્મચારીઓએ વડીલો સાથે ફટાકડા ફોડ્યા હતાં તેમજ ગીત – ભજનની રમઝટ સાથેની સંગીત સંધ્યા યોજી હતી.
નોરતાં પૂરા થતાં જ દિવાળી પર્વનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘની સૂચના અને માર્ગદર્શન હેઠળ SHE ટીમ દ્વારા વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારે રાત્રે આયોજીત કાર્યક્રમમાં ડીસીપી ઝોન – 4 લગધીરસિંહ ઝાલા, ACP જી ડિવીઝન પી. આર. રાઠોડ, વારસીયા પોલીસ મથકના પી.આઈ. કે. એન. લાઠીયા સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
પોલીસ અધિકારીઓ – કર્મચારીઓએ સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ફટાકડાં ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. તેમજ મીઠાઈ – અનાજ કીટનું વિતરણ કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તદ્ ઉપરાંત વડીલોની રજૂઆતો સાંભળી તે પ્રમાણે કામગીરી કરવાની બાંહેધરી આપી હતી.
ACP પી. આર. રાઠોડે ગીત – ભજનો ગાઈને વડીલો સાથે સંગીત સંધ્યા કરી વૃદ્ધાશ્રમમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જ્યુ હતું. વડીલોએ પોલીસ તંત્ર દ્વારા કરાયેલા કાર્યક્રમમાં ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો હતો.
#Funrangnews