- 5 વર્ષના લગ્નજીવન દરમિયાન 23 વર્ષિય પરિણીતા પલ્લવી નિકમ જોડીયા બાળકની માતા બની.
- ગત તા. 26 નવેમ્બરના રોજ પલ્લવી જોડીયા દિકરા – દિકરીને લઈને ઘરેથી ભેદી સંજોગોમાં જતી રહી.
- સાડા ત્રણ વર્ષની ઉંમરના બે બાળકોની સુરક્ષાનિ ચિંતા કરતાં પરિવારજનોએ સાંસદ રંજનબહેન ભટ્ટને પણ ફોન પર જાણ કરી હતી. જોકે, છતાં આજદીન સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
- પલ્લવી પ્રેમી યુવક સાથે ભાગી ગઈ હોવાની પરિવારે જાણ કરવા છતાં બાપોદ પોલીસે જાણવા જોગ નોંધમાં પલ્લવી ઘરેથી ભાગી ગઈ હોવાનો જ ઉલ્લેખ કર્યો.
- બે માસૂમ બાળકો સાથે પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને શોધવામાં બાપોદ પોલીસ રસ દાખવતી ના હોવાનો પરિવારજનોનો આક્ષેપ.
વડોદરા. ગત તા. 26 નવેમ્બરના રોજ સાડા ત્રણ વર્ષની ઉંમરના જોડીયા દિકરા – દિકરીને લઈ ખોડીયાર નગર વિસ્તારની પરિણીતા ભેદી સંજોગોમાં ગૂમ થઈ ગઈ હતી. પરિવારજનોની તપાસમાં 24 વર્ષિય પરિણીતા 18 વર્ષ 2 માસની ઉંમરના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે પતિ સહિતના પરિવારજનોએ બાપોદ પોલીસને જાણ કરી હતી. જોકે, ગત 28 નવેમ્બરના રોજ આ મામલે બાપોદ પોલીસના ચોપડે જાણવા જોગ નોંધમાં પરિણીતા તેના બે બાળકો સાથે ઘરેથી જતી રહી હોવાની વિગતો દર્શાવવામાં આવી હતી. પોલીસે પરિણીતા પ્રેમી સાથે ભાગી હોવાની વિગતો કોઈક કારણોસર ચોપડે ચડાવી નહોતી. જેને પગલે બાપોદ પોલીસ બે માસૂમ બાળકોને લઈને ભાગેલી પરિણીતાને શોધવામાં રસ દાખવતી ના હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભેદી સંજોગોમા યુવાન પ્રેમી સાથે ભાગી છૂટેલી પરિણીતા અંગે સાંસદ રંજનબહેન ભટ્ટને પણ જાણ કરવામાં આવી હતી.
પતિના નામનું ટેટું ચિતરાવનાર પત્ની પ્રેમી સાથે ભાગી.
ન્યૂ વીઆઈપી રોડ પર ખોડીયાર નગરની પાછળ આવેલી નારાયણધામ સોસાયટીમાં રહેતાં મહેશભાઈ નિકમના લગ્ન પાંચ વર્ષ અગાઉ પલ્લવી સાથે થયાં હતાં. પાંચ વર્ષના લગ્નજીવનમાં પલ્લવીએ જોડીયા સંતાન દિકરા – દિકરીને જન્મ આપ્યો હતો. પલ્લવીએ પોતાના કાંડા પર પતિ મહેશના નામનું ટેટુ પણ ચિતરાવ્યું હતું.

બાપોદ પોલીસે કયા કારણોસર પ્રેમીનો ઉલ્લેખ ટાળ્યો?
ગત તા. 26 નવેમ્બરના રોજ પલ્લવી બપોરના સમયે ઘરે કોઈ નહોતું તે દરમિયાન સાડા ત્રણ વર્ષની ઉંમરના બે સંતાનોને લઈને ક્યાંક જતી રહી હતી. મહેશ સહિતના પરિવારજનોએ આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓને જાણવા મળ્યું કે, પલ્લવીને એક 18 વર્ષિય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને તે સંતાનોને લઈને 18 વર્ષ 2 માસની ઉંમર ધરાવતાં પ્રેમી સાથે ભાગી છૂટી છે. આ અંગે પરિવારજનોએ બાપોદ પોલીસને જાણ કરી હતી. જે અંગે ગત 28 નવેમ્બરે બાપોદ પોલીસે જાણવા જોગ અરજીમાં પલ્લવી બે સંતાનો સાથે ક્યાંક જતી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને બે દિવસની તપાસમાં તેના વિશે કોઈ જાણકારી મળી નથી એવી નોંધ કરી હતી. પરંતુ, કોઈક કારણોસર પલ્લવી એના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વિગતો નોંધવામાં આવી નહોતી.
પલ્લવી એકલી હોય ત્યારે પ્રેમી યુવક ઘરે પણ પહોંચી જતો
મહેશ નિકમના પરિવારજનોએ FunRang.News સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો. 12 પાસ 23 વર્ષિય પલ્લવીને તેના નાની ઉંમરના અને માત્ર ધો. 9 સુધી (ધો. 10 નાપાસ) અભ્યાસ કરનાર યુવક સાથે પ્રેમ થયો હોવાની વાતો છેલ્લાં કેટલાંક સમયથી અમારા ધ્યાનમાં આવી હતી. પલ્લવી એકલી હોય ત્યારે યુવક ઘરે પણ તેને મળવા આવતો હોવાની વાત જાણવા મળી હતી. જોકે, પલ્લવીએ તેના પર ખોટા આક્ષેપ કરાય છે એવી ફરિયાદ સાસરીયાંને કરી હતી.

મિત્રના મોબાઈલના ચેટિંગમાં ભાગવાના પ્લાનની ચર્ચા
પલ્લવીના પ્રેમી યુવકના પરિવારને પણ આ પ્રેમ પ્રકરણની જાણ થતાં તેના પિતાએ તાજેતરમાં યુવકનો ફોન લઈ લીધો હતો. ત્યારબાદ યુવક પોતાના મિત્રના મોબાઈલથી પલ્લવીનો કોન્ટેક્ટ કરતો હતો. ગત તા. 25 નવેમ્બરના રોજ એક મિત્રના મોબાઈલથી યુવકે પલ્લવી સાથે ચેટિંગ કર્યું હતું. જેમાં બંને ભાગી જવાના છે એ વાતે ચર્ચાઓ થઈ છે. જેમાં બાળકો પિતા પાસે રહેવા માંગે છે માટે તેમને નથી લઈ જવા તે અંગે પણ વાતચીત થયેલી છે. મિત્રના મોબાઈલથી થયેલી ચેટિંગના સ્ક્રિન શોર્ટ્સ પણ પરિવારજનોએ મેળવ્યા હતાં.
(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન જુઓ આ વિડીયોમાં)
પ્રેમી યુવકની માનેલી બહેને પરિવારજનો સામે વટાણાં વેરી દીધા
ઉપરાંત, પ્રેમી યુવકની માનેલી બહેન સાથે પણ મહેશના પરિવારજનોએ વાત કરી હતી. જેમાં તેણીએ પરિવારજનો સમક્ષ વટાણાં વેરી દીધા હતાં. અને તેણીએ આ બંનેને ભાગીને પોતાના પિયરમાં જવાની ગોઠવણ કરી હોવાની વિગતો જાણવા મળી હતી. જોકે, મામલો પોલીસ મથકે પહોંચતા માનેલી બહેને મદદ કરવામાંથી હાથ ખેંચી લીધો હતો.
પલ્લવીએ ભાગવા માટે 4 તોલા દાગીના વેચ્યાં હોવાની આશંકા.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, યુવકની કોઈ કમાણી નથી અને નથી કોઈ બેન્ક બેલેન્સ આ વિગતો તેના માતા – પિતા પાસેથી જ જાણવા મળી છે. જ્યારે બીજી તરફ પલ્લવી આશરે 4 તોલા દાગીના લઈને ઘરેથી નિકળી હતી. બંને જણા પહેલા માંડવી ગયા હતાં અને માંડવી ખાતે કોઈ જ્વેલર્સને દાગીના વેચીને દોઢ – બે લાખ રૂપિયા મેળવ્યા હોય તેવી આશંકા છે. માંડવીથી બંને જણા પ્રતાપનગર તરફ ગયા હોવાની પણ જાણકારી પરિવારજનોને મળી છે.
સાંસદ રંજનબહેન ભટ્ટને મદદ કરવા ગુહાર કરી… પણ,
બે માસૂમ બાળકોની સુરક્ષાની ચિંતા કરતાં મહેશના પરિવારજનોએ આ મામલે મદદ કરવા માટે સાંસદ રંજનબહેન ભટ્ટને ફોન કર્યો હતો. કેસની વિગતો જાણી રંજનબહેને પોલીસ કમિશનરને વાત કરવાની હૈયાધારણા આપી હતી. ત્યારબાદ રંજનબહેને સામેથી ફોન કરી, પરિવારજનોને જણાવ્યું હતું કે, વાત થઈ ગઈ છે. પોલીસમાંથી ફોન આવશે. તમને મદદ મળશે. જોકે, પરિવારજનોએ જણાવ્યું કે, આજે બે ડિસેમ્બર થઈ ગઈ હજી સુધી પોલીસ વિભાગમાંથી અમને મદદ માટે ફોન આવ્યો નથી.
7 દિવસે પણ હજી પરિણીતાનો કોઈ પત્તો નથી… ગુજરાત બહાર જતાં રહ્યાં હોવાની આશંકા.
છેલ્લાં 7 દિવસથી પરિવારજનો બે માસૂમ બાળકોની સુરક્ષાની ચિંતામાં પલ્લવીની શોધખોળ કરી રહ્યાં છે. પરંતુ, બાપોદ પોલીસ તરફથી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ના હોવાને કારણે પરિવારજનોનું માનવું છે કે, બંને જણ ગુજરાતની બહાર જતાં રહ્યાં હશે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પલ્લવીને પોતાના જીવનનું જે કરવું હોય તે કરે… સાડા ત્રણ વર્ષના બાળકો શું કામ વાંક વિના તકલીફો ભોગવે? બે માસૂમ બાળકોની સુરક્ષાની ચિંતા કરતાં પરિવારજનોએ પોલીસ કમિશનર કચેરીએ અરજી કરવાની તજવીજ હાથ ધરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg