- મેં દુષ્કર્મ કર્યું નથી, મને ફસાવવામાં આવ્યો હોવાનું રટણ કરતો અશોક જૈન
- આગોતરા જામીન મળે તેવી પ્રાર્થના કરવા પાલીતાણા દર્શન કરવા ગયો હોવાની કબૂલાત
funrang. વડોદરાના ચકચારી હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં 19 દિવસ સુધી પોલીસને હંફાવ્યા બાદ ઝડપાયેલો આરોપી સી.એ. અશોક જૈન SITની પ્રાથમિક પુછપરછમાં દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી રહ્યો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, આગોતરા જામીન મળે તેવી પ્રાર્થના કરવા અશોક જૈન પાલીતાણા દર્શન કરવા ગયો હતો.
ભારે ચકચારી દુષ્કર્મ કેસમાં 19 દિવસ સુધી ફરાર રહ્યા બાદ સી.એ. અશોક જૈન પાલીતાણાની ધર્મશાળા બહાર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે પીડિતાનો મિત્ર એવો ભાગેડુ બુટલેગર અલ્પુ સિંધી હરીયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પાલીતાણા પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સવારે 10 વાગ્યાના અરસામાં અશોક જૈનને ઝડપી પાડ્યો હતો.
SITની પ્રાથમિક પુછપરછમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ફરિયાદ નોંધાતા જ અશોક જૈન જયપુર ભાગી છૂટ્યો હતો. ત્યાંથી લખનઉં, લોનાવાલા અને ગોવા પહોંચ્યો હતો. ત્યારબાદ વકિલે આગોતરાની કાર્યવાહી હાથ ધરતાં તે ગોવાથી વડોદરા આવ્યો હતો અને તા. 8 ઓક્ટોબરના રોજ આગોતરા જામીનની સુનવણી તેની તરફેણમાં આવે તે માટે પ્રાર્થના કરવાના આશયથી વડોદરાથી અમદાવાદ થઈ ધોલેરા ગયા બાદ બુધવારે રાત્રે પાલીતાણા પહોંચ્યો હતો. જોકે, આગોતરા જામીન માટે તે પ્રાર્થના કરવા જાય એ પહેલા ધર્મશાળાની બહાર જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસ જોઈને ગભરાઈ ગયેલો અશોક જૈન એક તબક્કે ઢીલો પડી ગયો હતો. અને પ્રાથમિક પુછપરછમાં તેણે કહયું કે, પોતે નિર્દોષ છે અને કોઈ ગુનો કર્યો જ નથી. જો મને આગોતરા જામીન મળ્યા ના હોત તો પણ હું હાજર થઈ જવાન હતો. તેણે પોલીસને એમ પણ જણાવ્યું કે, આ મામલે તે હાઈકોર્ટ સુધી કાયદેસરની કાર્યવાહી કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા પોલીસ ફરાર અશોક જૈનને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં શોધી રહી હતી. ત્યારે બીજી તરફ અશોક જૈન ગુજરાતમાં તો ઠીક વડોદરામાં આવી પહોંચ્યો અને વડોદરાથી ભાગ્યો એ સમગ્ર ઘટના જાણીને પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.
દુષ્કર્મ મામલે અશોક જૈન હાલ તો કોઈ જ કબૂલાત કરી રહ્યો નથી. પરંતુ, SITની પુછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
#Vadodara #Funrangnews #Rapecase #CAAshokjain #crime