Mehulkumar Vyas. બોસ, વડોદરા મહાનગર પાલિકાની કચેરીમાં અધિકારીઓ – કર્મચારીઓની હાજરી પુરવા માટે લગાડવામાં આવેલા ફેસ રિડીંગ મશીનો છેલ્લાં બે વર્ષથી બંધ પડ્યા છે. સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મ્યુનિ. કમિશનર અને મેયરને વિનંતી કરી છે કે, આ મશીન પુનઃ ચાલુ કરાવવામાં આવે.
અધિકારીઓ – કર્મચારીઓ કેટલાં વાગે કોર્પોરેશનમાં પધારે છે અને કેટલાં વાગે વિદાય લે છે? એ સમય નોંધવા માટે સ્માર્ટ ડિસીઝન લેવાયું હતું અને સરકારી નાણાં ખર્ચીને ફેસ રિડીંગ મશીનો લગાડવામાં આવ્યા હતાં. જેને પગલે અધિકારીઓ – કર્મચારીઓ ફેસ મશીનને મોંઢુ બતાવવા માટે પણ સમયસર હાજર થઈ જતાં હતાં. અને નિયત સમય થાય ત્યારે મશીનને મોં બતાવીને વિદાય લેતાં હતાં.
જોકે, શહેરને સ્માર્ટ બનાવવા માટે દિવસરાત વિચારરત અને રચ્યા પચ્યા રહેતાં કેટલાંક લોકોને મશીનને મોં બતાવવામાં સમયનો વેડફાટ થયો હોવા જેવું અથવા તો એમનો અહંકાર ઘવાતો હોવા જેવું લાગ્યું હશે અને મશીનો બંધ કરી દેવામાં આવ્યા હોવાનો સામાજીક કાર્યકરનો આક્ષેપ છે. શક્ય છે મશીન બગડી પણ ગયા હોય, છતાં લગભગ બે વર્ષથી ફેસ રિડીંગ મશીન ચાલુ કરવાની તસ્દી લેવાઈ નથી એ વાસ્તવિકતા છે. ટૂંકમાં બે વર્ષથી ફેસ રિડીંગ મશીન અધિકારીઓ – કર્મચારીઓના મોંઢા જોઈ શકતું નથી.
બોસ, સ્માર્ટ સિટી બનવા તરફ ભાંખોડિયા ભરી રહેલાં વડોદરા શહેરમાં ફેસ રિડીંગ મશીન બગડે થોડીક ચિંતાનો વિષય ખરો. મશીન પૂરે પૂરા બગડી જાય તો જ નવા મશીન ખરીદવાનો અવસર આવે. માત્ર રિપેરિંગ કરવાનું હોય એમાં શું લેવાનું? આમ તો, બહુ ધ્યાન રાખીને જ વહેલાં બગડી જાય એવા ફેસ મશીનો ખરીદાયા હશે એવું પણ કોઈને શંકા જાય એ સ્વાભાવિક છે. પરંતુ, સાવ એવું નહીં જ હોય.
ફેસ રિડીંગ મશીન કરતાં પણ વધુ અકસીર ઇલાજ છે અધિકારીઓ – કર્મચારીઓની હાજરીનો સમય ધ્યાનમાં રાખવા માટે, દરેક અધિકારી – કર્મચારીને કોર્પોરેશનના ખર્ચે નવો સ્માર્ટફોન લઈ આપવો જોઈએ. પ્રજાના પૈસે નવો ફોન ખરીદવામાં તો કોઈને વાંધો હોવો જોઈએ નહીં. નવો સ્માર્ટફોન અપાવ્યા બાદ દરેક અધિકારી – કર્મચારીના જીપીએસ લોકેશનને ટ્રેસ કરવું જોઈએ. ક્યારે તેઓશ્રી કોર્પોરેશનમાં પધાર્યા એ પણ જીપીએસ કહી દેશે, ક્યારે ગયાં અને ક્યાં ક્યાં ગયાં એ પણ જીપીએસ જણાવી દેશે. પણ, હા ફોનટેપિંગ નહીં કરવાનું… નહીંતર શહેરનો વિકાસ અટકી પડે.
ફેસ રિડીંગ મશીન ખંતપૂર્વક ચાલુ રહે તે માટે પણ એક વણમાંગ્યુ સૂચન કરી શકાય એમ છે. ફેસ રિડીંગની સાથે હસ્તરેખા વાંચી ભવિષ્ય ભાખી શકે તેવાં હેન્ડ રિડીંગની વ્યવસ્થા પણ રાખવી જોઈએ. લોકો કંઈ નહીં તો રોજની ભવિષ્ય જાણવા ખાતર પણ મશીન પાસે આવે. પણ, પાછું આ મશીન બધું સાચું બોલે એવું નહીં રાખવાનું… કોને ખબર કોના હાથમાં કેટલું કરી નાંખવાનો યોગ હોય!!? બધાં અંદરો અંદર જાણતાં હોય, એ મશીન મોટેથી બોલે એ થોડું ચાલે..!!