- મુંબઈના ઉદ્યોગપતિની વડીલોપાર્જીત જમીન પચાવી પાડી રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું.
- પાંચેય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન.
Vadodara. બનાવટી વિલને આધારે શહેર નજીક આવેલી મુંબઈના ઉદ્યોગપતિની જમીન પચાવી પાડવાના મામલે કલેક્ટરના આદેશ બાદ 5 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોત્રી પોલીસે ગુનો નોંધી પાંચેય આરોપીઓની ધપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલ મુંબઈ ખાતે રહેતાં 53 વર્ષિય ઉદ્યોગપતિ મેહુલભાઈ નરેન્દ્રભાઈ ભુવા બાજવા ખાતે કેમિકલ કંપની ધરાવે છે. તેઓ અગાઉ સૈયદ વાસણા રોડ પર રહેતાં હતાં. વર્ષ 2008માં તેમના પિતાનું નિધન થતાં તેમણે અકોટા ગામ સર્વે નંબર 170 વાળી વડીલોપાર્જીત જમીન અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને પગલે કલેક્ટર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધવા આદેશ કર્યો છે.
મુંબઈના ઉદ્યોગપતિની વડીલોપાર્જીત 40 હજાર ચોરસ ફૂટ જમીન બનાવટી વિલથી પચાવી પાડનાર આરોપીઓએ મિલકતના બે ભાગ પાડી દીધા હતાં. એક ભાગમાં એમ. આઈ. પટેલ ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. તેમજ અન્ય એક ભાગ શ્રી સદગુરુ ફર્નિચર હાઉસને ભાડે આપી મિલકતનો કબજો કર્યો હતો.
https://www.youtube.com/watch?v=t-_Co9ljfQM&t=3s
વર્ષ 2008માં તેઓને નર્મદા ભવન ખાતે સિટી સર્વેની કચેરીમાંથી જાણવા મળ્યું કે, તેમના પિતાએ આ જમીન વીલથી મહંમદભાઈ ઇસ્માઈલભાઈ પટેલ (રહે. 74 સહકારનગર, વાસણા રોડ, વડોદરા)ને લખી આપી હતી. તેમના પિતાની બનાવટી સહીથી 100 રૂપિયાના સ્ટેમ્પ પર કરાયેલા વીલમાં સાક્ષી તરીકે રાજેશકુમાર બી. સોલંકી (રહે. નારાયણ સોસાયટી, અટલાદરા) તથા અલીભાઈ હુસેનભાઈ (રહે. લીમડાવાળું ફળિયું, તાંદલજા)નો સમાવેશ થતો હતો. જ્યારે એડ્વોકેટ તરીકે યોગેશ હરિકૃષ્ણ પંડ્યા (રહે. સંગીતા ફ્લેટ, સૂર્યનગર, પાણીગેટ)ના સહી સિક્કા જોવા મળ્યા હતાં.
બનાવટી વિલમાં આરોપીઓએ એવો ઉલ્લેખ કર્યો હતો કે, ઉદ્યોગપતિના પિતા મહંમદભાઈ પટેલ પાસે માર્ગદર્શન મેળવતાં હતાં. બીએસસી અંગ્રેજી સાથે પાસ કરનાર ઉદ્યોગપતિના પિતા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હતાં. તો તેઓ અભણ મહંમદ પટેલ પાસેથી શા માટે માર્ગદર્શન મેળવે? આ ઉપરાંત, શરૂઆતથી જ સદ્ધર પરિવારને મહંમદ પટેલે આર્થિક મદદ કરી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
જેને પગલે ઉદ્યોગપતિ મેહુલભાઈએ દૈનિક સમાચારપત્રમાં બનાવટી વિલ ઉભું કરનાર આરોપીઓ સામે નોટીસ પ્રસિદ્ધ કરી હતી. અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. કલેક્ટરના આદેશ બાદ અનસ મહંમદભાઈ પટેલ, આરીફ મહંમદભાઈ પટેલ, ઇકબાલ મહંમદભાઈ પટેલ, નુરી મહંમદભાઈ પટેલ તથા રહીમા મહંમદભાઈ પટેલ (તમામ રહે. વ્હાઈટ હાઉસ, સૈયાદ વાસણા રોડ, બીના નગર પાસે, વડોદરા) સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.
#funrang #Vadodara