- કોર્પોરેશનના સદભાગ્યે હોર્ડિંગ – વૃક્ષ પડવા જેવી ઘટનાઓમાં કોઈ સજીવને ઇજા પહોંચી નથી.
- સ્માર્ટ તંત્રના ભરોસે રહેવાની મૂર્ખતા કરવાને બદલે નાગરીકો આત્મનિર્ભર બને તે જરૂરી.
મેહુલ વ્યાસ. પ્રતિ વર્ષ પ્રિ-મોન્સૂન કામગીરી કરવાનાં પીપુંડા વગાડતા સ્માર્ટ કોર્પોરેશન તંત્રની બધી બાજી વરસાદ બગાડી નાંખતું હોય છે. આજેય વાવાઝોડાંભેર અડધો કલાક પડેલાં વરસાદે વધુ એક વાર કોર્પોરેશનના બાહોશ અધિકારીઓ અને પ્રજાની ચિંતામાં રાત – દિવસ રત રહેતાં સત્તાધારીઓની આબરૂના ધજાગરાં ઉડાડી નાંખ્યા હતાં. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં, ઠેર ઠેર પાણી ભરાયાં અને કારેલીબાગ ખાતે તો મસમોટું હોર્ડિંગ રસ્તા પર આવી ગયું. કોર્પોરેશનના સદભાગ્યે આ બધાંમાં કોઈ સજીવને ગંભીર ઈજા પહોંચી નથી.
માત્ર 20 – 25 મીનીટ કડાકા – ધડાકાભેર તૂટી પડેલાં વરસાદના પહેલાં જ ઝાપટાની ઝપટે વૃક્ષો અને હોર્ડિંગ આવી ચડતાં, વડોદરા મહાનગર સેવાસદન પર કાદવ ઉછળવાની મૌસમ શરૂ થઈ ગઈ છે. સળિયા કટાઈ ગયા હોવા છતાં હિમતભેર કોઈ પ્રકારની ખુંવારી કર્યા વિના લોકોને રસ્તો બતાવી રહેલું કારેલીબાગ વુડા સર્કલ પાસેનું વિશાળ હોર્ડિંગ, વાવાઝોડાંનો માર સહન કરી શક્યું નહીં. અને બીચારું પડી ગયું. એક કારને સ્હેજ નુકસાન પહોચ્યું બસ… ટ્રાફિક થોડીવાર અટવાયો, પણ પછી ફાયર બ્રિગેડે બધું સમુસુથરું પાર પાડી દીધું.
શક્ય છે કે, વાવાઝોડાંના અવાજને વુડા સર્કલમાં વિરાજીત સિંહની ત્રાડ સમજી, ડરી ગયેલું હોર્ડિંગ ધરાશાયી થઈ ગયું હોય. બાકી, મહાનગર સેવાસદનના અતિસ્માર્ટ સત્તાધીશોની ભ્રષ્ટતાને કારણે હોર્ડિંગ પડ્યું છે એમ માનવું ખોટું ગણી શકાય. હોર્ડિંગના સળિયા કટાઈ જાય એમાં કોર્પોરેશનનો શું વાંક? કદાચ કોન્ટ્રાક્ટરે અધિકારીઓને ઉલ્લુ બનાવ્યા હોય તો, એમાં અધિકારીઓનો શું વાંક?
અત્રે ઉલ્લેખનિય છે કે, પહેલાં વરસાદી ઝાપટાંમાં હેરાન થયેલાં વડોદરાવાસીઓએ ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી માંડી વૃક્ષો પડવા સુધીની સમસ્યાઓ સહન કરવા જાતે જ તૈયાર થવું જરૂરી છે. આમેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરીકોને આત્મનિર્ભર થવાનો સંદેશ આપ્યો જ છે. તો, સ્માર્ટ તંત્રના ભરોસે બેસી રહેવાની મુર્ખતા કરવી યોગ્ય નથી. માટે આપની રોજીંદી અવરજવરના રસ્તા પર ખુલ્લી ગટર ક્યાં છે? રસ્તા પર ખાડા ક્યાં છે? એકાદ ઝાપટાંમાં પાણી ક્યાં ભરાય છે? કયાં ઝાડ – હોર્ડિંગ્સ માથે પડે એવાં છે? આ બધી બાબતોનું ધ્યાન જાતે રાખવું જરૂરી છે.