- પોલીસ ખાતામાં નોકરી કરીએ છીએ, એનો જ એટલો નશો છે કે બીજા નશાની કોઈ વેલ્યૂ નથી – લાકડીનો લવારો
- વિડીયો ભલે વાઈરલ થયો, મારી એક ફાંસ પણ કોઈ ઉખાડી નહીં શકે – લાકડીનો આત્મવિશ્વાસ.
Mehulkumar Vyas. તા. 15 ડિસેમ્બરના રોજ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી દરમિયાન એક પોલીસવાળો લોકોને લાકડી મારી રહ્યો હતો. પોલીસવાળો નશામાં હોવાના આક્ષેપ સાથે કબીર મકરાણી નામના યુવકે તેનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. વિડીયોમાં કબીર સ્પષ્ટ બોલતો સંભળાય છે કે, “તમે દારૂ પીધેલા છો, માસ્ક ઉતારો” ફિલ્લમ્મ ઉતરી રહી હોવાથી પોલીસ કર્મીએ સિંઘમ બનવાનું માંડી વાળ્યું અને ઉભી લાકડીએ ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. અત્રે ખાસ નોંધનિય છે કે, સિટી પોલીસ મથકના સ્થિતપ્રજ્ઞ ઇન્ચાર્જ પી.આઈ. પાંડોરનું તો કહેવું છે કે, દબાણ હટાવવાની કામગીરી ટાણે આવું કશું બન્યું જ નથી. જોકે, પોલીસ ખાતામાં વિડીયોની ભારે ચર્ચા ઉઠવા પામી છે.
આ સમગ્ર ઘટનામાં એ પોલીસ કર્મીના હાથમાં રહેલી લાકડીનો વિશેષ કાલ્પનિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે. પોલીસ ખાતામાં હોવાથી ઓવર કોન્ફિડન્સનો ઓવરડોઝ ધરાવતી આ લાકડીએ રોફ સાથે શું જણાવ્યું? આવો જાણીએ…
પોલીસવાળાની લાકડીનું કહેવું છે કે, “ઓય સાંભળ, આડીઅવળી વાતો પછી… પહેલાં એ કહે કોઈ કેમેરો ચાલુ નથી ને..? ઓકે… હું સામાન્ય વાંસની માફક જ ઉગ્યો, ઉછર્યો અને મને તો હતું કે કદાચ મોટો થઈને વાંસળી બની સૂર રેલાવીશ… પણ, ભાગ્યમાં કંઈક અલગ જ લખાયું હતું. અને બની ગયો દાદાજીની લાકડી.. દાદાજીની લાકડી બન્યો એ દિવસે હું બહુ દુઃખી થઈ ગયો હતો… સાલુ આ તે કંઈ જીંદગી ધીમે ધીમે ઠક ઠક ચાલવાનું… પણ મારા ભાગ્ય ખુલી ગયા અને પોલીસ ખાતા માટે ખરીદાઈ ગઈ… પોલીસ ખાતામાં આવતાં જ મારામાં એક અજબ પ્રકારનો નશો આવી ગયો.. અને હા પેલો કબીર કહે છે કે ત્રિભોવન પીધેલો હતો… ખોટી વાત છે, જો એ પીધેલો હોત તો પી.આઈ. સાહેબને ખબર ના પડી ગઈ હોત? ખોટો આક્ષેપ છે એનો… કબીરને ખબર નથી પોલીસ ખાતામાં નોકરી કરીએ છીએ, એનો જ એટલો નશો છે કે બીજા નશાની કોઈ વેલ્યૂ નથી… ચાલો લોકોનાં કુલા – ટાંટીયા – બરડા પર હું સટાક દઈને પડી… તો શું? પોલીસવાળા સામાન્ય લોકોને બે – પાંચ – દસ દંડા ના મારી શકે? અમારો એટલો હક તો બને જ ને? ત્રિભોવન ભાગ્યો ના હોત તો કબીરનો મોબાઈલ તોડી નાંખ્યો હોત મેં… પણ, ઠીક છે… આ બધામાં મારો તો કોઈ વાંક છે જ નહીં… એટલે વિડીયો ભલે વાઈરલ થયો, મારી એક ફાંસ પણ કોઈ ઉખાડી નહીં શકે… અને હા, પોલીસ ખાતાની લાકડી છું એટલે લોકોને મારીશ તો ખરી જ… સામાન્ય લોકોને મારવા એ મારી ફરજ છે. બાકી મારો કોઈ વાંક નથી.”
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg