- છેલ્લાં બે મહિનામાં વિશ્વામિત્રી નદીમાં ચાર મગરના મોત.
- કાલાઘોડા બ્રિજ પાસે જ ચારેય મગરના મૃતદેહ મળ્યાં.
- મગરનાં મોત કયા કારણોસર થઈ રહ્યાં છે? તે જાણવા તપાસ કરાશે
Vadodara. એક તરફ વિશ્વામિત્રી શુદ્ધિકરણ હાથ ધરાયું છે ત્યાં બીજી તરફ છેલ્લાં બે મહિનામાં ચાર મગરના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યાં છે. આજરોજ કાલાઘોડા બ્રિજ પાસેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં લગભગ 10 ફૂટના વિશાલકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, મગરનાં મોત કયા કારણોસર થઈ રહ્યાં છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવનાર છે.
વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે પર્યાવરણપ્રેમીઓ દ્વારા નદીમાં વસતાં મગરો સહિતની જળસૃષ્ટિ અને કિનારાના પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અને છેલ્લાં બે મહિનામાં વિશ્વામિત્રીમાં રહસ્યમય સંજોગોમાં 4 મૃતદેહ મળી આવ્યા છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓની ચિંતામાં તથ્ય હોય એમ કહી શકાય.
આજરોજ કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં મગરનો મૃતદેહ તરી રહ્યો હોવાની જાણ થતાં વનવિભાગના કર્મચારીઓ તેમજ કેનાઈન ગ્રૂપ એસો.ના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતાં. દોરડાંની મદદથી મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
કેનાઈન ગ્રૂપ એસો.ના વિશાલ ઠાકુરના જણાવ્યા પ્રમાણે, લગભગ 10 ફૂટનો વિશાલકાય મગરનો મૃતદેહ આજે મળી આવ્યો છે. મગરના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. છેલ્લાં બે મહિનામાં ચાર મગરનાં મૃતદેહ કાલાઘોડા બ્રિજ પાસેના વિસ્તારમાંથી મળી આવ્યા છે. ત્યારે મગરના મોત કયા કારણોસર થઈ રહ્યાં છે તેની તપાસ કરવામાં આવશે. પાણીની પણ તપાસ કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મગરનો વાઘ – સિહંની માફક શિડ્યુલ – 1માં સમાવેશ થાય છે. તેમને સારું પર્યાવરણ મળવું જોઈએ. તેમનાં ભેદીસંજોગોમાં થતાં મૃત્યુ ચિંતાનો વિષય છે. તંત્રએ સત્વરે આ અંગે યોગ્ય કદમ ઉઠાવવા જરૂરી છે. અન્યથા વડોદરાનું ગૌરવ ગણાતાં મગર નિઃશેષ થઈ શકે છે.
#Vadodara #Funrangnews #crocodile #pride #News