- મ.સ. યુનિ.ના પૂર્વ સી.આર. વાસુ પટેલનો મૃતદેહ દિવાળીના દિવસે ભેદી સંજોગોમાં રેલ્વે ટ્રેક પરથી મળ્યો હતો.
- બરોડા ડેરી પાસેની હોટલથી માંડી રેલ્વે ટ્રેક સુધીના સીસીટીવીની તપાસ કરતી પોલીસ.
- હત્યા કે આત્મહત્યા? આ પ્રશ્નનો જવાબ શોધી રહેલી પોલીસ.
Vadodara. દિવાળીના દિવસે ભેદી સંજોગોમાં રેલ્વે ટ્રેક પરથી મૃત હાલતમાં મળી આવેલા મ.સ. યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી નેતાના મૃત્યુ પર લાગેલા હત્યા કે આત્મહત્યા? ના પ્રશ્નનો જવાબ પોલીસ શોધી રહી છે. ત્યારે, મૃતકની ગૂમ થયેલી બાઈક પોલીસને તેના મિત્રના ઘરેથી મળી આવી છે. જ્યારે મોબાઈલનો હજી કોઈ પત્તો લાગ્યો નથી.
મ. સ. યુનિ.ના એન.એસ.યુ.આઈ.ના પૂર્વ સીઆર અને વડસર વિસ્તારમાં રહેતો 22 વર્ષિય વાસુ પટેલ ગત તા. 3 નવેમ્બરને કાળી ચૌદશની રાત્રે મિત્રો સાથે ફટાકડાં ફોડી મોજ મસ્તી કર્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે દિવાળીના રોજ બપોરના સમયે વડસર બ્રિજ થી માંજલપુર તરફના રેલ્વે ટ્રેક પર તેનો ટ્રેનના પૈંડા તળે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આ બનાવ આત્મહત્યાનો હોવાનું સામે આવ્યું હતું. જોકે, મૃતકના પરિવારજનોએ આ બનાવ હત્યા હોવાની આશંકા સાથે ઘનિષ્ઠ તપાસ કરવાની માગ કરી હતી.
વાસુ પટેલ કાળી ચૌદશની રાત્રે છેલ્લાં બરોડા ડેરી પાસેની હોટલથી થોડીવારમાં આવું છું કહીને નિકળ્યો હતો. જેને પગલે પોલીસે તે હોટલથી રેલ્વે ટ્રેક સુધીના વિસ્તારના સીસીટીવીની શોધખોળ શરૂ કરી છે. દરમિયાનમાં વાસુ પટેલની ગૂમ બાઈકનો પોલીસે તેના મિત્રના ઘરેથી પત્તો મેળવી લીધો છે. બીજી તરફ, મોબાઈલનો પત્તો લાગ્યો નથી પરંતુ, પોલીસે સીડીઆર મંગાવી વાસુએ છેલ્લે કોની સાથે વાચચીત કરી હતી. એની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
વાસુ ભેદી સંજોગોમાં ગૂમ થયો ત્યારબાદ તે મોબાઈલથી સોશિયલ મિડીયા પર છેલ્લે 12.48 વાગ્યે એક્ટિવ થયો હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે મોબાઈલની કોલ ડિટેઇલની તપાસમાં મહત્વની માહિતી પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે. તાજેતરમાં જ માંજલપુર વિસ્તારમાં રહેતાં પરપ્રાંતીય લોકો સાથે નાણાંની લેતી દેતી બાબતે વાસુ પટેલને ગોંધી રાખવામાં આવ્યો હતો.
મકરપુરા પોલીસ અનુસાર, મોબાઈલની કોલ ડિટેઇલના આધારે તપાસ કરી, છેલ્લે જેમની સાથે વાત થઈ હશે તેમના નિવેદન લેવાશે. કોલ ડિટેઇલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ તથ્યો જાણવા મળશે.
#funrang #Vadodara #Police