- રાજ્યભરમાં એબીવીપી દ્વારા દેખાવો થાય તેવી હિલચાલને પગલે પોલીસ એલર્ટ.
- ભાજપી નેતાઓને જીતાડવા દોડધામ કરનારા એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી દોડાવીને ફટકાર્યા.
- બનાવને પગલે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કજામ કરાયો.
FunRang. સુરત સ્થિત વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં વાઈસ ચાન્સેલરની મંજૂરીથી ગરબા કાર્યક્રમનું આયોજન કરનારા એબીવીપીના વિદ્યાર્થીઓને ઉમરા પોલીસે દોડાવી દોડાવીને ફટકાર્યા હોવાની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. ભાજપના રાજમાં એબીવીપીના વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા બળપ્રયોગના વિરોધમાં ઠેર ઠેર આવેદનો આપવામાં આવી રહ્યાં હોઈ, રાજ્યભરની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આજે વિદ્યાર્થીઓ દ્વારા સુરતમાં ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપી નેતાઓ નિયમો નેવે મૂકે ત્યારે ચૂં કે ચાં નહીં કરી શકતી પોલીસે એબીવીપીના વિદ્યાર્થીઓ પર જોર અજમાવ્યાની ઘટનાને પગલે અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે.
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિ. કેમ્પસના કન્વેન્શન હોલ પાસેના ગ્રાઉન્ડમાં આયોજિત ગરબા કાર્યક્રમ અંગે વાઈસ ચાન્સેલરની પરવાનગી લેવામાં આવી હતી. નિયત કાર્યક્રમ મુજબ વિદ્યાર્થીઓ ગરબે ઘુમી રહ્યાં હતાં ત્યારે ઉમરા પોલીસનો સ્ટાફ ત્યાં ધસી આવ્યો હતો. અને ગરબા બંધ કરવાનું ફરમાન કર્યું હતું.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
પોલીસના ફરમાન સામે એબીવીપીના વિદ્યાર્થી અગ્રણીઓ રજૂઆત કરી હતી કે, વાઈસ ચાન્સેલરની પરવાનગીથી ગરબા કાર્યક્રમ યોજાયો છે, માટે ગરબા બંધ કરાવવા હોય તો વાઈસ ચાન્સેલર સાથે વાત કરો. જોકે, પોલીસે ગરબા બંધ કરી દેવા અક્કડ વલણ અપનાવતાં વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને પગલે વિફરેલી પોલીસ બેફામ બની હતી અને વિદ્યાર્થીઓને ફટકારવાનું શરૂ કરી દીધું હતું.
ભાજપના રાજમાં ઉમરા પોલીસે એબીવીપીના વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને ફટકારતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. કેટલાંક વિદ્યાર્થીઓના કપડા ફાટી ગયા હતાં. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં ભારે વાઈરલ થયો છે. જેમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનું પણ જોવા મળે છે. પોલીસે કરેલા બળપ્રયોગને પગલે પાંચ જેટલા વિદ્યાર્થીઓને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
યુનિ. વર્તુળો અનુસાર, વિદ્યાર્થીઓએ તેમજ યુનિ.ના અગ્રણીઓએ ઉમરા પોલીસને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસ જાણે ગમે તે ભોગે ગરબા બંધ કરાવવા માટે જ આવી હોય તેવું વલણ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કર્યા બાદ પોલીસ કેટલાંક વિદ્યાર્થીઓને પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસ મથકે લઈ જવાયેલા વિદ્યાર્થીઓને છોડી મૂકવા રજૂઆત કરવા ગયેલા કેટલાંક વિદ્યાર્થીઓને પણ પોલીસે લોકઅપમાં પૂરી દીધા હતાં. તે ઉપરાંત લોકઅપમાં પૂરીને ઢોર માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. બનાવને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ મથકે જઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં.
#Funrangnews #Surat #ABVP #Umarapolice